વરસાદે ચિંતા વધારી, ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય
રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. ખાનગી હવામાન એજન્સી મુજબ, રાજ્યમાં ૧૫ જુલાઈ સુધી ૨૦ મિમી સુધી જ વરસાદની સંભાવના છે. વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ ૪.૮૦ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, જ્યારે ૧૯૯૧થી ૨૦૨૦ સુધીમાં ચોમાસાની સીઝન દરમિયાન રાજ્યમાં સરેરાશ ૩૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ ૨.૨ ઈંચ વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો ૩.૬૬ ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો ૪.૮૦ ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો ૩.૩ ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ ૯.૩૭ ઈંચ વરસાદ થયો છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો, ગઈકાલથી આજસુધીમાં માત્ર એક જ તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં ૨૪ કલાકમાં માત્ર ૧ મિમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારો કોરા જ રહ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ ૩.૬ ઈંચ વરસાદ વરસ્યો છે, જે છેલ્લાં ૭ વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. છેલ્લાં ૭ વર્ષમાં ૨૦૧૫માં સૌથી વધુ સરેરાશ ૪.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સૌથી ઓછો સરેરાશ ૧.૧૦ ઈંચ વરસાદ ૨૦૧૬માં રહ્યો હતો. ઉપરાંત વર્ષ ૨૦૧૭માં સરેરાશ ૩.૪ ઈંચ, વર્ષ ૨૦૧૮માં સરેરાશ ૨.૫ ઈંચ, વર્ષ ૨૦૧૯માં સરેરાશ ૩.૫ ઈંચ અને વર્ષ ૨૦૨૦માં સરેરાશ ૨.૮૮ ઈંચ વરસાદ નોંધાયો હતો.
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી મુજબ રાજ્યભરમાં હજુ પણ ૧૫ જુલાઈ સુધી રાજ્યમાં ૨૦ મી.મીથી વધારે વરસાદ દેખાઈ રહ્યો નથી. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં ૧૯.૨૫ ટકા એટલે કે ૨૫ લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. એવામાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે.
હજુ આગામી ૧૨-૧૫ દિવસમાં કોઇ સિસ્ટમ સર્જાય નહીં તો વાવેતર કરાયેલા પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ ૨૦૭ જળાશયોમાં ૩૯.૧૦% જળસ્તર છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં ૪૨.૧૮% જળ સંગ્રહ છે. રાજ્યમાં હાલ માત્ર બે જળાશયો જ એવા છે જે સંપૂર્ણ ભરાયા છે. રાહતની વાત એ છે કે, હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
રાજયમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે, આથી કિસાન સંઘ રાજ્ય સરકારને સોમવારે રજૂઆત કરશે, એમ કિસાન સંઘનાં સત્તાવાર સૂત્રો જણાવ્યું હતું. ખેડૂતોના કહ્યા પ્રમાણે, અત્યારે સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, બાજરી, તલ જેવા પાકનું વાવેતર કરવામાં આવે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત ડાંગર, બાગાયતી પાક હોય છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ડાંગર, કપાસ એમ મિક્સ પાકનું વાવેતર કરાય છે. રાજ્યમાં ૧૦થી ૧૫ દિવસ પહેલાં જે વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી.
વાવણી બાદ મોટા ભાગના વિસ્તારમાં વધુ વરસાદ પડયો નથી, એટલે કૂવાના તળ જેટલાં આવવાં જોઇએ એટલાં આવ્યાં નથી. આવા સંજોગોમાં જે ખેડૂતો પાસે કૂવો છે તેઓ પાકને પાણી આપી શકે છે, પણ જેમની પાસે નથી તેઓ વરસાદની રાહ જોઇ રહ્યા છે. આવા સંજોગોમાં એકાદ સપ્તાહમાં વરસાદ થાય તો સારું, નહીં તો પાક નિષ્ફળ જાય એવી સ્થિતિ હોવાનું ખેડૂતોનું કહેવું છે.