૨૪ કલાક બાદ વરસાદનું જોર ઘટશેઃ હવામાન વિભાગની આગાહી
સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક પણ મેઘમહેર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૪ કલાક બાદ વરસાદનું જોર ઘટશે. જો કે અહીં નિરાશ થવાની જરૂર નથી. કેમ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૨૮મી જુલાઈથી બંગાળમાં લો પ્રેશર સર્જાશે. જેને કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨૪ કલાક રાજ્યમાં મેઘમહેર રહેવાના એંધાણ છે. જો કે ૨૪ કલાક બાદ વરસાદનું જોર ઘટશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે નોંધપાત્ર વરસાદ થશે.
તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૨૮ જુલાઈએ બંગાળની ખાડીમાં લોપ્રેશર સર્જાશે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. અને આ લો પ્રેશરને કારણે ગુજરાતમાં પણ સારી એવી માત્રામાં મેઘમહેર થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દાહોદ, પંચમહાલ, સાબરકાંઠામાં ભારે વરસાદ થશે. આ સાથે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદ થશે. અને ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.