દેશના ૨૦ રાજ્યમાં વરસાદનું એલર્ટ
દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ છે. આ સાથે જ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં પણ મોટો ઘટાડો થતાં દિલ્હીવાસીઓને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં આ રવિવાર સુધી વરસાદની યથાવાત રહેવાની સંભાવના છે. જો તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન ૩૩થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે, આગામી ૫ દિવસ ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં ચોમાસાની ગતિવિધિઓ જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું રાજસ્થાન અને પંજાબના કેટલાક ભાગો, હરિયાણાના બાકીના ભાગોમાં આગળ વધી શકે છે. જો કે વરસાદથી ગરમીમાંથી થોડાક અંશે રાહત મળી છે, જો કે પાણી ભરાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા મુંબઈના થાણે, રાયગઢ, સતારા, કોંકણ વિસ્તારમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદે ઘણા જિલ્લાઓમાં તારાજી સર્જી કે જેના કારણે અત્યાર સુધીમાં ૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ૧૪ લોકો ઘાયલ થયા છે. ત્યારે ભારે વરસાદના પગલે ૪ મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા અને ૨૮ મકાનોને સામાન્ય નુકસાન થયું છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે અંદાજે ૧૦૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સાથે જ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ આજે ??ઓરેન્જ એલર્ટ અને આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીની પાસે આવેલા નોઈડામાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે. સાથે જ ગાઝિયાબાદમાં પણ વરસાદ પડશે. આજે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.