ફિલિપાઈન્સમાં શક્તિશાળી તોફાનમાં ૨૦૮ના મોત
ફિલિપાઈન્સમાં વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડા રાઈએ ભારે તબાહી મચાવી છે. જેના કારણે અત્યાર સુધીમાં ૨૦૮ લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા ૨૩૯ લોકો ઘાયલ છે અને ૫૨ ગુમ છે. પોલીસે જણાવ્યું હતું કે હરિકેન રાયએ દ્વીપસમૂહના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં તબાહી મચાવી છે. ગુરુવારે વાવાઝોડું ત્રાટક્યા બાદ ૩૦૦,૦૦૦ થી વધુ લોકોએ તેમના ઘર છોડવા પડ્યા હતા. તેમજ દરિયા કિનારે આવેલા રિસોર્ટને પણ ખાલી કરાવવામાં આવ્યા છે. ફિલિપાઈન્સ રેડ ક્રોસે કહ્યું છે કે, દરિયાકાંઠાના વિસ્તારો સંપૂર્ણપણે ર્નિજન થઈ ગયા છે.‘મકાનો, હોસ્પિટલો, શાળાઓ અને સમુદાયની ઇમારતો ખરાબ રીતે વિખેરાઈ ગઈ હતી.’ લાકડાના મકાનો તુટી ગયા હતા અને ગામડાઓ પૂરમાં આવી ગયા હતા. હરિકેન રાયની સરખામણી વર્ષ ૨૦૧૩ના હરિકેન હૈયાન સાથે કરવામાં આવી રહી છે.
ફિલિપાઈન્સમાં યોલાન્ડા નામના હૈયાનને દેશનું સૌથી શક્તિશાળી અને ખતરનાક તોફાન માનવામાં આવે છે. જેમાં ૭,૩૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા અથવા ગુમ થયા. મહત્વનું છે કે ઘટનાને લઈ રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટે શનિવારે પ્રદેશનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને બે બિલિયન પેસો (ઇં૪૦ મિલિયન) સહાયનું વચન આપ્યું હતું. વાવાઝોડા દરમિયાન ૧૯૫ કિલોમીટર પ્રતિ કલાકથી ૨૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનને કારણે ભારે નુકસાન થયું હતું. તોફાન બાદ ૨૨૭ શહેરો અને નગરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
પ્રાંતીય ગવર્નર આર્થર યેપે તેમના સત્તાવાર ફેસબુક પેજ પર જણાવ્યું હતું કે, આ વખતે સૌથી વધુ અસરગ્રસ્ત ટાપુઓમાંનો એક બોહોલ છે. જે તેના બીચ માટે જાણીતું છે. અહીં ઓછામાં ઓછા ૭૪ લોકોના મોત થયા છે. સિરગાઓ, દિનાગત અને મિંડાનાઓ ટાપુઓ પર પણ વ્યાપક વિનાશ થયો છે. પ્રાંતીય માહિતી અધિકારી જેફરી ક્રિસોસ્ટોમોએ રવિવારે એએફપીને જણાવ્યું કે દિનાગત ટાપુઓમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે.