હવાઇ નિરીક્ષણ બાદ વડાપ્રધાનનું ગુજરાતને ૧ હજાર કરોડનું રાહત પેકેજ
વાવાઝોડામાં મૃત્યુ પામેલને ૨ લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦નું વળતરનું એલાન
રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. વડાપ્રધાન ૧ કલાક ને ૫૦ મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં વડાપ્રધાનની મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ બેઠકમાં જાેડાયા હતા.
આ સમીક્ષા બેઠક બાદ પીએમ મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને ૧૦૦૦ કરોડની પ્રારંભિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલાને રૂ.૨ લાખનું અને ઈજાગ્રસ્તોને રૂ.૫૦,૦૦૦નું વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિનો ચિતાર આપ્યો હતો.