માઉન્ટ આબુ -૪.૪ ડિગ્રી સાથે ઠંડુગાર, દિલ્હીમાં ૧.૧ ડિગ્રી સાથે રેકોર્ડ બ્રેક ઠંડી
દિલ્હીમાં છેલ્લા ૧૪ વર્ષમાં સૌથી ઓછું
નવા વર્ષની શરૂઆતની સાથે જ ઉત્તર ભારતમાં શીતલહેર જાેવા મળી. દિલ્હીમાં પારો ૧.૧ ડિગ્રી સુધી ગગડ્યો છે. આ છેલ્લા ૧૪ વર્ષમાં સૌથી ઓછું છે. ઘણા વિસ્તારોમાં સવારે ઘાડ ધુમ્મસ છવાયેલો જોવા મળ્યો.
આઇએમડીના કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, સફદરજંગ અને પાલમમાં સવારે છ વાગ્યે ઘાડ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઇ ગઇ હતી. ધુમ્મસને કારણે વાહનવ્યવહાર પર અસર પડી. હવામાન વિભાગ અનુસાર, સફદરજંગમાં લઘુત્તમ તાપમાન ૧.૧ ડિગ્રી રેકોર્ડ કરાયો.
ગુરુવારે સતત ચોથા દિવસે રાજસ્થાનના ત્રણ વિસ્તારમાં પારો માઇનસમાં ગયો હતો. જ્યારે માઉન્ટ આબુ – ૪.૪ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. જ્યારે આગામી ૨૪ કલાકમાં જયપુર, અજમેર, સીકર, ટોંક, કોટા, બુંદી, ધોલપુર સહિત ઘણી જગ્યાએ વરસાદની આગાહી છે.
બીજી બાજુ, રાજસ્થાનના ૧૧ જિલ્લાનું તાપમાન ૫°થી નીચે રહ્યું. હરિયાણાના હિસારમાં ગુરુવારે ૨૪ વર્ષની સૌથી ઠંડી રાત રહી હતી. હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને પંજાબમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.