વડોદરામાં નિમેટા ક્લેરિફાયરની સફાઈની કામગીરીથી સ્થાનિકોને ઓછો સમય પાણી મળશે
વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા વિભાગ હસ્તકના નિમેટા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ નંબર-૩માં લાગેલ ક્લેરિફાયરની સફાઇની કામગીરી તા. ૨૨ ફેબ્રુઆરીથી ૨૪ ફેબ્રુઆરી સુધી હાથ ધરવામાં આવનાર હોવાથી જી.આઈ.ડી.સી ટાંકી, તરસાલી ટાંકી, બાપોદ ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, માંજલપુર ટાંકી, કપુરાઇ ટાંકી, સયાજીપુરા ટાંકી, સોમા તળાવ બુસ્ટર, મહેશનગર બુસ્ટર, સંખેડા દશાલાડ બુસ્ટર, મહાનગર બુસ્ટર, નંદધામ બુસ્ટર અને મકરપુરા બુસ્ટરથી પાણી મેળવતા વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી પાણી ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે આપવામાં આવશે. વડોદરા શહેરમાં ૩ વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો.
આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને ૪ દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.
વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.નિમેટા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ-૩માં ક્લેરિફાયરની સફાઇની કામગીરીને કારણે વડોદરા શહેરના તરસાલી, બાપોદ, ગાજરાવાડી, માંજલપુર અને કપુરાઇ સહિતના વિસ્તારોમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે પાણી મળશે. જેથી શહેરના અંદાજે ચાર લાખ લોકોને તેની અસર થશે.