તલાલાનો નવનિર્મિત રોડ ૮ મહિનામાં જ તૂટવા લાગતા સ્થાનિકોનો રોષ

તાલાલા તાલુકાના ખીરધાર-ધણેજ બે ગામને જોડતો નવો બનાવવામાં આવેલ સીસી રોડ માત્ર આઠ માસના ટૂંકા ગાળામાં જ બિસ્માર બનવા લાગતા ગ્રામજનોમાં રોષ પ્રવર્તેલ છે. આ નવનિર્મિત સી.સી.રોડમાં તિરાડો પડવા લાગી હોવાથી ટૂંક સમયમાં જ માર્ગનું બાળમરણ થવાની ભીતિ વ્યક્ત કરી તુરંત માર્ગના નબળા કામ અંગે તપાસ કરવા તાલાલાના આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ ઈરફાનભાઈ ભાંગાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી માંગણી ઉઠાવી છે.

લેખિત ફરિયાદમાં જણાવેલ વિગત મુજબ ખીરધાર-ધણેજ બે ગામને જોડતો આઠ માસ પહેલા બનાવેલ સી.સી.રોડ માં તિરાડો સાથે માર્ગ ઉપર નાના ગાબડા પડવા લાગ્યાં હોય તુરંત તપાસ કરવા બાંધકામ વિભાગ સમક્ષ માંગણી કરવામાં આવી હોવા છતાં પણ યેનકેન કારણોસર સ્થાનીક અધિકારીઓ માર્ગના નબળા કામ અંગે તપાસ કરવા આંખ આડા કાન કરી કોન્ટ્રાક્ટરને છાવરતા હોય તેવું જણાઈ રહ્યુ છે. જેથી ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ અધિકારી મારફત માર્ગના નબળા કામો અંગે તપાસ કરાવી જરૂરી છે. વધુમાં તાલાલા પંથકની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને ઉપયોગી થવા મુખ્યમંત્રી સડક યોજનામાંથી બે ગામને જોડતા બનાવેલ માર્ગની કામગીરી લોટ પાણીને લાકડાની નીતિ મુજબ બન્યો હોય તેવો તાલ ઘાટ સર્જાયેલ છે.

આ નવનિર્મિત માર્ગથી પ્રજાને બદલે કોન્ટ્રાક્ટરને લાભ થયો હોય તેવા ખુલ્લા આક્ષેપો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. અને માર્ગના નબળા કામની ફરિયાદો કરાઈ હોવા છતા પણ સ્થાનિક અધિકારીઓ તરફથી તપાસ બાબતે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી કોન્ટ્રાક્ટરને છાવરતા હોવાની નીતિથી ગ્રામીણ પ્રજા અને ખેડૂતોમાં ભારે લોક રોષ પ્રવર્તેલ હોય જવાબદાર એજન્સી પાસેથી તુરંત ફરીથી નવો માર્ગ બનાવવા માટે ઘટતું કરી પ્રજાને યોગ્ય ન્યાય આપવા મુખ્યમંત્રી પાસે માંગણી કરવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news