પીપાવાવ રેલવે ટ્રેક પર વહેલી સવારે ગૂડ્સ ટ્રેન અડફેટે લેતા સિંહ ગંભીર રીતે ઘવાયો
રાજુલા નજીક આવેલા પીપાવાવ રેલવે ટ્રેક પર અગાઉ ભૂતકાળમાં અનેક વખત ટ્રેન અડફેટે સિંહ આવ્યાના અહેવાલ પ્રકાશિત થઇ ચૂક્યા છે. જેમાં ક્યારેક સિંહના મોતની ઘટના પણ સામે આવી છે. તેમ છતાં આ સંદર્ભે કોઇ તકેદારી લેવામાં ન આવતા વહેલી સવારે વધુ એક સિંહ ટ્રેનની અડફેટે આવ્યો હતો. રાજુલા બૃહદગીર રેન્જના પીપાવાવ રેલવે ટ્રેક પર ઉંચેયા ૧૫ નંબરના ફાટક પાસે ગૂડ્સ ટ્રેને અડફેટે લેતા સિંહ ગંભીર રીતે ઘવાયો હતો, જેને સારવાર અર્થે પ્રથમ બાબરકોટ નર્સરી ખાતે લઇ જવાયો હતો અને હવે વધુ સારવાર અર્થે શક્કરબાગ ખસેડવામાં આવશે.
વન વિભાગે ગંભીર થવાની જરૂરપીપાવાવ રેલવે ટ્રેક પર સિંહ ટ્રેન અડફેટે ચડવાની ઘટનાને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગે આ મામલે ગંભીર થવું જોઇએ તેમ સ્થાનિકોનું માનવું છે. આજે વહેલી સવારે આ ઘટના બની ત્યારે વન વિભાગના કર્મીઓની ગેરહાજરી હતી. ગૂડ્સ ટ્રેનના ચાલક દ્વારા બનાવ અંગે સ્ટેશન માસ્તરને ટેલિફોનિક જાણ કરવામાં આવતા વન વિભાગ પહોંચ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી આરએફઓ સહિત જવાબદાર અધિકારીઓ અહીં ફરતા નથી અને મોનિટરિંગનો અભાવ હોવાથી રેલવે ટ્રેક રેઢો પડ્યો છે.
સવારે ૬ વાગ્યે ઘટના બનીપાલીતાણા શેત્રુંજુ ડિવીઝનના ડીસીએફ નિશા રાજનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ ઘટના વહેલી સવારે ૬ વાગ્યે બની છે. અમારી ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક સારવાર અહીં એનિમલ કેર સેન્ટર ખાતે કરાશે અને ત્યારબાદ શક્કરબાદ ખાતે ખસેડવામાં આવશે.