હિમાચલમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ ભૂસ્ખલનઃ રસ્તાઓ બ્લોક, પ્રવાસીઓ ફસાયા
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ભારે તબાહી મચી છે. ભયંકર વરસાદના કારણે ઠેર-ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. અનેક રસ્તાઓ ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયા છે. આવામાં એક વિડીયો સામે આવ્યો છે. સિરમોર જિલ્લાના કામરાઉમાં ભૂસ્ખલનના કારણે નેશનલ હાઇવે નંબર ૭૦૭ બ્લોક થઈ ગયો છે. ભૂસ્ખલનની આ ઘટના વિડીયોમાં જોઈ શકાય છે. તો મંડી જિલ્લામાં પાર્કિંગમાં ઉભેલી કારો પર આખી છત પડવાથી ગાડીઓને ભારે નુકસાન થયું છે.
જાણકારી પ્રમાણે સિરમૌર જિલ્લામાં ૭૦૭ પાવટા સાહિબથી રોહડૂ જનારા રાષ્ટ્રીય ઉચ્ચ માર્ગ બડવાસની પાસે લગભગ ૫૦થી ૧૦૦ મીટર ભેખડ ધસી પડવાથી રોડ બ્લોક થઈ ગયો છે. આ ઉપરાંત હિમાચલમાં વાદળ ફાટવાથી ૧૪૪ પ્રવાસીઓ અટવાયા હતા. પ્રવાસીઓ હિમાચલના લાહૌલ-સ્પીતિમાં ફસાય છે. તો જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પણ વાદળ ફાટ્યું છે. બીજી તરફ હરિયાણાના હથિની કુંડ બેરેજથી સતત પાણી છોડ્યા બાદ દિલ્હીમાં યમુના નદી એકવાર ફરી જોખમી સ્તરે છે.
યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે. આઈટીઓ પર યમુનાનું પાણી ભયંકર રીતે પસાર થઈ રહ્યું છે. આગામી કેટલાક કલાક જો આ રીતે જળસ્તર વધતુ રહ્યું તો ડીએનડીની આસપાસ નોઇડાના નીચેના વિસ્તારો અને ઓખલાના કેટલાક વિસ્તારો જળમગ્ન થઈ શકે છે. સવારે ૧૧ વાગ્યે યમુના નદીમાં જળસ્તર ૨૦૫.૩૪ મીટર રેકોર્ડ થયું હતું, જ્યારે ખતરાનું નિશાન ૨૦૫.૩૩ મીટર છે. હવામાન વિભાગે યમુનાથી અડીને આવેલા વિસ્તારોમાં ઑરેન્જ્ એલર્ટ જાહેર કરી દીધું છે.
જો સ્થિતિ વધારે ગંભીર બનશે તો યમુનાની આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવશે. હથિની કુંજ બેરાજથી બુધવારના યમુના નદીમાં ૧.૬ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગુરૂવારના પણ ૧.૧૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું.