ભારતે શરૂ કરી નદીઓના સંરક્ષણ માટેની વૈશ્વિક પહેલ ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ, જાણો શું કામ કરશે GRCA?
નવીદિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોમાં, સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં આયોજિત COP-28માં જળવાયુ પરિવર્તનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તે દરમિયાન, COP-28માં ભારતે નદીઓને લગતી વૈશ્વિક સંસ્થા શરૂ કરી છે. તેને ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ (GRCA) નામ આપવામાં આવ્યું છે. ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ એ નદીઓના સંરક્ષણ માટેની વૈશ્વિક પહેલ છે. આ સંસ્થાનું નેતૃત્વ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) કરશે. NMCG ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય હેઠળ આવે છે. ભારતના નેતૃત્વમાં બનેલું આ સંગઠન શા માટે ખાસ છે અને તેની સાથે કયા કયા દેશો જાડાયેલા છે.
GRCA શું કામ કરશે? જે જણાવીએ તો ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ વિશ્વમાં તેના પ્રકારનું પ્રથમ ગઠબંધન છે. તેનો મુખ્ય ઉદ્દેશ નદી સંરક્ષણ અને ટકાઉ જળ વ્યવસ્થાપન છે. GRCA પોતાની વચ્ચે ટેકનિકલ સહાય વહેંચીને એક દેશ અને બીજા દેશની ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ એક વૈશ્વિક પ્લેટફોર્મ હશે જ્યાં સહભાગી દેશો શહેરી નદીઓની સ્થિતિ સુધારવા સંબંધિત પાસાઓ અને ક્ષમતા નિર્માણ પર નક્કર ચર્ચા કરી શકશે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA) અને નેશનલ મિશન ફોર ક્લીન ગંગા ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સના સચિવાલય તરીકે સેવા આપશે. આ વૈશ્વિક જોડાણમાં વિશ્વના વિવિધ ખૂણામાંથી ૧૧ દેશો સામેલ છે. આમાં ૨૭૫થી વધુ નદી શહેરોને આવરી લેવામાં આવશે. સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં આયોજિત COP-28માં, ભારતે ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ (GRCA) નામની નદીઓ સંબંધિત વૈશ્વિક સંસ્થા શરૂ કરી છે. ગ્લોબલ રિવર સિટીઝ એ ભારતમાં ૨૦૨૧માં લોન્ચ કરાયેલ રિવર સિટીઝ એલાયન્સ (RCA)નું વૈશ્વિક સંસ્કરણ છે.
રિવર સિટીઝ એલાયન્સની રચના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ અને નેશનલ મિશન ફોર ક્લીન ગંગા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. તે ભારતના નદી શહેરો માટે શહેરી નદીઓના ટકાઉ સંચાલન માટે વિચારણા, ચર્ચા અને માહિતીની આપ-લે કરવા માટેનું એક સમર્પિત પ્લેટફોર્મ હતું. તે નદીઓ અને શહેરોને જોડવાનું કામ કરે છે. તે શહેરોને એકબીજાની સફળતાઓ અને નિષ્ફળતાઓમાંથી શીખવા તેમજ લોકોને નદીઓ સાથે જોડવા સક્ષમ બનાવે છે.
શરૂઆતમાં રિવર સિટીઝ એલાયન્સમાં ગંગા બેસિનના માત્ર ૩૦ સભ્ય શહેરોનો સમાવેશ થતો હતો. બાદમાં, ગંગા તટપ્રદેશની બહારના શહેરોનો સમાવેશ કરવા માટે તેની પહોંચ વિસ્તારવામાં આવી હતી. એક વીડિયો સંદેશ દ્વારા RCA લોન્ચિંગ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે અત્યાર સુધીમાં RCA ભારતમાં ૧૪૩ શહેરોમાં વિસ્તરી ચૂક્યું છે. આ જોડાણ ત્રણ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે – નેટવર્કિંગ, ક્ષમતા નિર્માણ અને તકનીકી સહાય.
તાજેતરમાં, રિવર સિટીઝ એલાયન્સ વતી સ્વચ્છ ગંગા માટેના રાષ્ટ્રીય મિશને યુએસ મિસિસિપી રિવર સિટીઝ એન્ડ ટાઉન્સ ઇનિશિયેટિવ (MRCTI) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલ અમેરિકામાં મિસિસિપી નદીના કાંઠે સ્થિત ૧૨૪ શહેરો/નગરોનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને વચ્ચે COP-28માં જ મેમોરેન્ડમ ઓફ કોમન પરપઝ (MoCP) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ કરાર સાથે, રિવર સિટીઝ એલાયન્સની તાકાત ૨૬૭ નદી શહેરોમાં વિસ્તરી છે.