દેશમાં ઓલાનું ઈલેક્ટ્રીકલ સ્કૂટરથી કંટાળી માલીકે આગ લગાવી દીધી
ઓલા સ્કૂટરમાં કોઇ સમસ્યા સર્જાવાના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ તમિલનાડુમાં જે મામલો તાજેતરમાં સામે આવ્યો છે તે તદ્દન ચોંકાવનારો છે. જેમાં ઓલા સ્કૂટરથી પરેશાન થઇને એક વ્યક્તિએ પોતાના સ્કૂટર પર પેટ્રોલ છાંટીને તેમાં આગ લગાવી દીધી હતી. જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના Ola S1 Pro સ્કૂટરમાં આગ લગાવતો જોવા મળી રહ્યો છે.
આ ઘટના તમિલનાડુના અંબર બાયપાસ રોડ પાસે બની હતી. જ્યાં ડૉ. પૃથ્વીરાજે તેમના ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને આગ લગાવી દીધી હતી. અહેવાલો અનુસાર, તેને ૩ મહિના પહેલા જ આ સ્કૂટરની ડિલીવરી મળી હતી. તે સ્કૂટરની રેન્જથી પરેશાન હતો. તેણે દાવો કર્યો હતો કે, જે દિવસે તેને સ્કૂટરમાં આગ લગાવી તે દિવસે તેના ઓલા સ્કૂટરે માત્ર ૪૪ કિમીની રેન્જ આપી અને ત્યાર બાદ બંધ થઇ ગયું હતું. ડો. પૃથ્વીરાજે ઓલા સ્કૂટરમાં આવતી આ સમસ્યાને લઇને ઘણી વખત કંપનીના કસ્ટમર સર્વિસને ફરીયાદ કરી હતી, પરંતુ તેને કોઇ જ પોઝીટિવ રીસ્પોન્સ મળ્યો નહીં. આ પહેલા મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં પણ ઓલા સ્કૂટરનો એક એનોખો વિડીયો સામે આવ્યો હતો. અહીં એક વ્યક્તિએ કસ્ટમર સર્વિસના રીસ્પોન્સથી નારાજ થઇને પોતાના ઓલા સ્કૂટરને ગધેડા સાથે બાંધીને પરેડ કાઢી હતી.
બીડ જીલ્લાના રહેવાસી સચિન ગિટ્ટેએ હાલમાં જ ઓલાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લીધું હતું. થોડા જ દિવસોમાં સ્કૂટરમાં ખરાબીઓ આવવા લાગી અને બંધ થઇ ગયું હતું. તેણે આ અંગે ઓલાના કસ્ટમર સર્વિસનો સંપર્ક કર્યો, પરંતુ તેને યોગ્ય રીસ્પોન્સ મળ્યો નહીં. જેથી કંપનીથી નારાજ થઇને તેણે ઓલા સ્કૂટરને ગધેડા સાથે બાંધી દીધું અને શહેરમાં ફેરવ્યું હતું. આ સાથે જ તેણે લોકોને ઓલા પર ભરોસો ન કરવાની અપીલ કરતું એક બેનર પણ લગાવ્યું હતું. ઓલાએ દાવો કર્યો છે કે તેના Ola S1 Pro સ્કૂટરમાં સિંગલ ચાર્જમાં ૧૮૧ કીમીની રેન્જ મળે છે. તેની હાઇપર ડ્રાઇવ મોટર ૮.૫KWની પાવર અને ૫૮ Nm નો ટોર્ક જનરેટ કરે છે.