ચીનમાં કોરોનાના કેસ વધતા લોકોને ઘરમાં જ રહેવા આદેશ અપાયા
ચીનમાં વધતા કોવિડ કેસ પાછળ ઓમિક્રોન વેરિઅન્ટનો હાથ છે. તમને જણાવવુ રહ્યુ કે કોરોના સામે લડવા માટે ચીને ઝીરો કોવિડ પોલિસી અપનાવી છે. ડિસેમ્બર ૨૦૧૯માં ચીનમાં કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો હતો, પરંતુ તે પછી ચીને કડક રીતે પ્રતિબંધો લાદતા આજે ચીનમાં કોરોના નિયંત્રણમાં છે. ચીનમાં વધતા સંક્રમણને પગલે મોટાપાયે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સરહદો પણ બંધ કરી દેવામાં આવી હતી. ચીનમાં વધતા સંક્રમણને પગલે શાંઘાઈમાં શાળા બંધ કરવામાં આવી છે, સાથે જ બેઈજિંગમાં રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ બેઈજિંગમાં વહીવટીતંત્રે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ કહ્યું છે.
બીજી તરફ હોંગકોંગમાં પણ કોરોનાએ માથુ ઉંચક્યુ છે, ત્યારે કેરી લેમે ચેતવણી આપી હતી કે આ પ્રદેશમાં કોવિડ સંક્રમણની લહેર કદાચ તેની ટોચ પર પહોંચી નથી. તેમણે કહ્યું કે આ સમયે એવું કહેવું સરળ નહીં હોય કે આપણે સંક્રમણના ટોચના તબક્કાને પાર કરી ગયા છીએ, આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ. ચીનમાં ગઈકાલે કોવિડના ૫૮૮ નવા કેસ નોંધાયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે, જો કે કોઈ કોવિડ સંક્રમિત દર્દીનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું નથી. અન્ય દેશોની તુલનામાં આ સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે જો સંક્રમણ વધે છે તો તેઓ લોકડાઉન કરવા માટે તૈયાર છે. શનિવારે શાંઘાઈ શહેરમાં કોરોનાના ૨૨ નવા કેસ સામે આવતા સરકારે જાહેરાત કરી કે શાળાઓમાં ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે. જ્યારે બેઈજિંગમાં કોરોનાના પાંચ નવા કેસ મળી આવ્યા છે.
ચીનના બેઈજિંગના ઉત્તરપૂર્વીય જિલ્લા શુનીમાં સંક્રમણને ધ્યાનમાં રાખીને હાઉસિંગ કોમ્પ્લેક્સનો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો હતો. સાથે જ લોકોને લક્ષણ જણાય તો પરીક્ષણ કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કોમ્યુનિસ્ટ પાર્ટી કમિટીના પ્રવક્તા ઝુ હેજિયનને કહ્યું હતુ કે મહેરબાની કરીને જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી બેઈજિંગ છોડશો નહીં.