ટાઉટે નામના વાવાઝોડાથી સરકાર બની એલર્ટઃ માછીમારોને દરિયો ન ખેડવા આદેશ
કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તહેનાત કરાશે
કોરોનાની મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલા વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર અલર્ટ બની છે. ટાઉટે નામનું વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઇ શકે છે એવી ભીતિને પગલે સરકાર હરકતમાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારી અંગેની સમીક્ષા બેઠક કરી છે. સૌરાષ્ટ્રના સમગ્ર તંત્રને અલર્ટ આપવામાં આવ્યું છે. એ ઉપરાંત જિલ્લા કલેક્ટરોને સલામતીનાં પગલાં લેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગને પણ સરકારે પગલાં લેવા તાકીદ કરી છે.
ટાઉટે વાવાઝોડાથી ગુજરાતના દરિયાકાંઠે જાન-માલહાનિનું નુકસાન ન થાય એ માટે રાજ્ય સરકારે એકશન પ્લાન ઘડયો છે. રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવશે. ગાંધીનગરમાં એક કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે, જ્યાંથી ટાઉટે વાવાઝોડા પર સીધી નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, કચ્છ-સૌરાષ્ટ્રના કલેક્ટર સહિતના સ્થાનિક તંત્રને જરૂરિયાત મુજબ સીધી સૂચનાઓ પણ અપાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર અને કચ્છના કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. ખાસ કરીને કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખી વાવાઝોડાથી નુકસાન ન થાય તેવાં પગલાં ભરવા સૂચનાઓ જારી કરાઇ છે, સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટે સાવધાનીનાં પગલાં લેવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. તટરક્ષક દળના જવાનોએ પણ લોકોને દરિયાકાંઠેથી સલામત સ્થળે જવા જણાવ્યુ હતું. આમ, વાવાઝોડાની સંભવિત તબાહીને જોતાં સરકારી તંત્ર સાબદું બન્યું છે.