ચીનમાં ભારે વરસાદે તારાજી સર્જી, હજારો લોકો પ્રભાવિતઃ ૨૧ના મોત
મધ્ય ચીનના હુબેઇ વિસ્તારના ઉપનગરમાં ભારે વરસાદને કારણે તબાહી મચાવતા અંદાજે ૨૧ લોકોનાં મોત થયા છે. અને ૪ લોકો લાપતા થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુક્સિયન કાઉન્ટીમાં લ્યુલીન ટાઉનશીપમાં ભારે વરસાદ પડ્યો હતો,
જેના કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે આ વિસ્તારમાં અંદાજે ૮,૦૦૦ લોકો વરસાદથી પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. શહેરના તમામ રસ્તા પૂરને કારણે પાણીમાં ડૂબી ગયા છે જેને લઇને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ ગુરુવારે યલો એલર્ટ જારી કરીને દેશના કેટલાક મધ્ય અને પૂર્વી ભાગોમાં વરસાદની ચેતવણી આપી હતી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું હતું.
જિયાંગસી અને ઝેજિયાંગના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.તેમજ વાવાઝોડા અને વીજળી પડવાની પણ સંભાવના છે. હેનાનમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી
રાષ્ટ્રીય વેધશાળાએ સ્થાનિક અધિકારીઓને પૂર અને ભૂસ્ખલનની શક્યતા માટે સાવધાન રહેવાની સલાહ આપી છે. અનેક વિસ્તારોમાં આઉટડોર પ્રવૃત્તિઓ બંધ કરવાની ભલામણ કરવામાં આવે છે. ગત્ત મહિને, હેનાન પ્રાંત અને તેની પ્રાંતીય રાજધાની ઝેંગઝોઉ શહેરમાં ભારે પૂરને કારણે ૩૦૦ થી વધુ લોકો મૃત્યુ થયા હતા અને ૫૦ લોકો લાપતા થયા હતા.
નોંધપાત્ર વાત એ છે કે, ૧૬ જુલાઈથી હેનાનમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે. ઝેંગઝોઉમાં, ત્રણ દિવસમાં ૬૧૭.૧ મીમી વરસાદ પડ્યો,હેનાન પ્રાંતમાં એક હજાર વર્ષમાં આ સૌથી ભારે વરસાદ હતો.ભારે વરસાદના કારણે અમુક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ છે.