ગોંડલમાં ધોધમાર વરસાદ, રસ્તા અને ખેતરો પાણી પાણી, રાજકોટમાં અમીછાંટણા
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. જસદણ અને આટકોટમાં બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક ઇંચ વરસાદ નોંધાયો છે. ગોંડલમાં પણ ધોધમાર વરસાદથી રસ્તા અને ખેતરો પાણી પાણી બની ગયા છે. જ્યારે રાજકોટમાં યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા.
આટકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. વાવણી પછી મેઘરાજાની પધરામણી ન થતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા હતા. મોંઘુ બિયારણ નિષ્ફળ જાય તેવી દહેશત હતી. બપોર સુધી ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. પરંતુ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઉપરાંત વીરનગર સહિતના આજુબાજુ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.
રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગોંડલમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ કોટડાસાંગાણીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગોંડલના રામોદ, નાના માંડવા, ઇશ્વરીયા, મોટા માંડવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.