દક્ષિણ ગુજરાતમાં ૨૪ થી ૨૬ જૂન સુધી ભારે વરસાદની આગાહી

ગાંધીનગર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં આઈએમડીના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે, જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તા.૨૪મી જૂનથી ૨૬મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

રાહત કમિશનરે નવસારી જિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને વરસાદની આગાહી મુજબ મૂકવા સૂચન કર્યું હતું.  ચાલુ વર્ષે અંદાજિત ૧૦,૨૪,૪૨૨ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર ૨૦ જૂન ૨૦૨૨ સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૬,૮૯,૪૭૨ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૧.૭૮ ટકા વધુ વાવેતર થયું છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૧,૪૯,૯૭૨ એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૪૪.૮૯ ટકા છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૮,૨૪૧ એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૩૩.૭૨ ટકા છે.

હાલમાં રાજ્યમાં બે જળાશય વોર્નિંગ પર છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદને કારણે પાણીની સારી આવક થઇ છે. રાજ્યમાં હજુ ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. જોકે વરસાદનું જોર નરમ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે હજુ ૭૦ ટકા વિસ્તારમાં વાવણી પણ બાકી છે.

દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય કોઈ વધુ મહેર નથી થઈ. એને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે, કારણ કે ચોમાસું બેઠાને ૯ દિવસ વીતવા છતાં હજુ ૨૦૦ જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. રાજ્યમાં હજુ સીઝનનો માંડ ૪ ટકા વરસાદ વરસ્યો છે. ૫ જિલ્લાને બાદ કરતાં બાકીના ૨૮ જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી.ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છૂટાછવાયો, પણ સારો વરસાદ પડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ૨૪ અને ૨૫ જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ૨૪મી જૂને થંડરસ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં વરસાદની હજુ રાહ જોવી પડશે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં ૪૨ મિમી, વિરમગામમાં ૨૩ મિમીથી વધુ વરસાદ પડ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news