દેશના ૭ રાજ્યોમાં ૧૮ નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ૧૮મી નવેમ્બર સુધી માટે કેરળ, કર્ણાટક, આંદામાન નિકોબાર, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગોવા, ઓડિશા માટે વરસાદની ચેતવણી આપી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવ્યું છે.ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ આગામી ૪ દિવસો માટે ૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. હાલ કેરળ ભારે વરસાદ અને તેના સાથે સંબંધીત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. હવામાન વિભાગે શનિવારથી દક્ષિણી રાજ્ય કેરળમાં વરસી રહેલો ભારે વરસાદ મંગળવાર સુધી ચાલુ જ રહેશે તેવી આગાહી કરી છે. તેના પહેલા દિવસે ૩ જિલ્લાઓ- ઈડુક્કી, ત્રિશૂર અને એર્નાકુલમમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
જળાશયના દબાણને ઘટાડવા માટે ઈડુક્કી બાંધનું એક શટર ૪૦ સેમી પહોળું કરીને ખોલવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે મુલ્લાપેરિયાર બાંધને પણ ખોલવામાં આવે તેવી શક્યતા છે કારણ કે, કેરળમાં ભારે વરસાદ વચ્ચે તેનું જળસ્તર સતત વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, પશ્ચિમી હવાઓના કારણે કેરળમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખી અધિકારીઓ અને લોકોએ ખૂબ જ સતર્કતા રાખવાની જરૂર છે.
આઈએમડી બુલેટિન પ્રમાણે એક ઓછા દબાણનું ક્ષેત્ર અરબ સાગરના મધ્ય ક્ષેત્ર પર સ્થિત છે જેની પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની અને ૧૫મી નવેમ્બર સુધી ઉત્તરી આંદામાન સાગર અને તેને અડીને આવેલી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર સારી રીતે ચિન્હિત થવાની આશા છે. તે દિશામાં જ ઓછું દબાણ આગળ વધતું રહેશે અને ૧૭મી નવેમ્બર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક તોફાનમાં ફેરવાઈ જશે તથા ૧૮મી નવેમ્બર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ કિનારે પહોંચશે. એક વાવાઝોડું દક્ષિણી કર્ણાટક અને પાડોશી ઉત્તર તમિલનાડુની આસપાસ સ્થિત છે અને બીજું દક્ષિણ-પૂર્વ અરબ સાગર પર સ્થિત છે.