ધોધમાર વરસાદઃવેરાવળ પંથકમાં ૨ કલાકમાં ૪.૫ ઇંચ વરસાદ ખાબક્યો

વેરાવળ-સોમનાથ શહેર અને પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાયાં હતાં. મંગળવારે સવારે ૨ કલાકમાં ૪.૫ ઈંચ વરસાદ વરસી જતાં લોકોએ એનો લહાવો લીધો હતો. તો શહેરની અમુક બજારો અને કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાઈને દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જ્યારે અનેક માર્ગે પર ગોઠણડૂબ પાણી ભરાતાં રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વેરાવળ નજીકના ડારી ગામમાં ભારે વરસાદ પડતાં ગામમાં નદી નીકળતી જોવા મળી હતી, જ્યારે દેવકા નદીમાં પહેલા વરસાદે જ પૂર જેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

સતત બીજા દિવસે વેરાવળ- સોમનાથ શહેર અને પંથકમાં મેઘરાજા મહેરબાન બની ધોધમાર અનરાધાર હેત વરસાવતા સવારે ૨ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. શહેર અને પંથકમાં વહેલી સવારથી અવિરત મેઘસવારીને પગલે સર્વત્ર વરસાદી માહોલ સાથે ઠંડકનો માહોલ છવાયો છે. વેરાવળ-સોમનાથમાં આજે વહેલી સવારે ૬થી ૮ વાગ્યા સુધીમાં અડઘો ઇંચ, ત્યાર બાદ ૮થી ૧૦ વાગ્યાના બે કલાકમાં અનરાધાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો, જેને પગલે શહેરના મુખ્ય સહિતના અનેક માર્ગો પર ગટરો ઊભરાઈ જતાં વરસાદી સાથે ગટરના ગંદા પાણી વહેતા થતાં રાહદારીઓ પરેશાનીમાં મુકાયા હતા.

ધોધમાર વરસેલા ૪.૫ ઇંચ વરસાદને પગલે જોડિયા શહેરમાં ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયાં હતાં. સોમનાથના સાંનિધ્યમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં ગોઠણડૂબ પાણી ભરાતાં અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં, જેને પગલે દુકાનદારો માલ બચાવવા ચાલુ વરસાદે ધંધે લાગ્યા હતા. જ્યારે વેરાવળના સટાબજાર, સુભાષ રોડ, તપેશ્વર મંદિર રોડ, લોહાણા હોસ્પિટલ રોડ, એસટી રોડ, પાલિકા કચેરી આસપાસ, સોમનાથ ટોકીઝ વિસ્તાર સહિત અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેના પગલે લોકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news