વડોદરામાં ઘાટની સફાઈ કાર્ય વિશ્વામિત્રી નદીના કાંઠેથી એક ગુફા મળી આવી

વડોદરા શહેરના મધ્યમથી પસાર થતી વિશ્વામિત્રી નદી શહેરની ધરોહર છે. ઈતિહાસમાં આ નદીનું આગવું મહત્વ હતું. પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે આ નદી પોતાની ઓળખ ગુમાઈ ચૂકી છે. શહેરના કેટલાક નાગરિકોએ વિશ્વામિત્રી નદીને પુનઃ જીવિત કરવા અને નવી ઓળખ અપાવવા વિવિધ ઘાટની સાફ સફાઈ હાથ ધરી હતી. આ દરમિયાન આશ્ચર્ય પમાડે તેવો ઐતિહાસિક વારસો મળી આવ્યો છે. વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે આ શહેર પોતાના ઐતિહાસિક વારસા માટે જાણીતું પણ છે. કહેવાય છે કે શહેરની આસપાસ બિરાજમાન નવનાથ મહાદેવ તમામ પ્રકારની આપત્તિ સામે શહેરને રક્ષણ પૂરું પાડે છે. એમાંનું જ એક કામનાથ મહાદેવનું મંદિર છે.

વર્ષો પુરાણું આ મંદિર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. પરંતુ યોગ્ય જાળવણી ન થવાના કારણે તેની ઐતિહાસિક ઓળખ ગુમાઈ ચૂક્યું છે. શહેરના કેટલાક શિવ ભક્તોએ છેલ્લા ઘણા દિવસથી નદીના ઘાટની સાફસફાઈનું બીડું ઉપાડ્યું છે. આશરે ૧૭૦ ટ્રક ભરીને કચરો સાફ કર્યા બાદ નદીના ઘાટ પાસેથી ૬૦૦ વર્ષ જુના બે શિવલિંગ મળી આવ્યા છે. સાથે જ એક ગુફા તેમજ ઋષિમુનિઓની સમાધિ પણ મળી આવી છે. શિવ ભક્તોને મળી આવેલા આ ઐતિહાસિક વારસાનો ઉલ્લેખ પુરાણોમાં પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક સમયે પવિત્ર કહેવાતી વિશ્વામિત્રી નદી કાંઠે અનેક ઋષિઓ તપશ્ચર્યા કરતા હતા.

પરંતુ હાલ આ નદીમાં ડ્રેનેજનું પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે નદી અત્યંત પ્રદૂષિત થઈ ગઈ છે. ઘાટની સફાઈ બાદ મળી આવેલા ઐતિહાસિક વારસાની હાલ સમગ્ર શહેરમાં ચર્ચા ચાલી રહી છે અને નાગરિકો કામનાથ મહાદેવની મુલાકાત લઈ રહ્યાં છે. શહેરની ધરોહરની યોગ્ય જાળવણી ન થવાના કારણે લોકોમાં દુઃખની લાગણી તો છે જ, પરંતુ અહીં આવતા તમામ લોકો વારસાની જાળવણીનો સંકલ્પ લઈ તેની જાળવણીના અભિયાનમાં સ્વેચ્છાએ જોડાઈ રહ્યાં છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news