છેલ્લા ૧૪ વર્ષમાં પ્રથમ વખતે ક્રૂડ ઓઈલ ૧૩૦ ડોલરે પહોંચ્યું
ક્રૂડ ઓઈલની કિંમત આસમાનને આંબી રહી છે. આજે, કાચા તેલની કિંમત ૧૩૦ પર પહોંચી ગઈ છે, જે ૧૪ વર્ષમાં સૌથી વધુ છે. કાચા તેલમાં આ વધારા પાછળ બે મુખ્ય કારણો છે. ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાઈમાં વિલંબ થવાની ભીતિ બજારમાં વધી ગઈ છે.
બીજી તરફ અમેરિકા, યુરોપ અને સાથી દેશોએ રશિયા પાસેથી તેલ ન ખરીદવાનું મન બનાવી લીધું છે. જેના કારણે માંગની સરખામણીએ પુરવઠો ઘણો ઓછો થયો છે. આ જ કારણ છે કે ક્રૂડ ઓઇલ ૨૦૦૮ પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે રશિયા પાસેથી તેલ અને કુદરતી ગેસની આયાત પર પ્રતિબંધો લાદવા અંગે અમેરિકા અને તેના સહયોગી દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેલ અને ગેસની આયાત વિશે પૂછવામાં આવતા, બ્લિંકને રવિવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેને એક દિવસ અગાઉ આ વિષય પર તેમની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક યોજી હતી. બાઈડેન અને પશ્ચિમે હજુ સુધી રશિયાના ઉર્જા ઉદ્યોગ પર પ્રતિબંધો લાદ્યા નથી જેથી તેની અર્થવ્યવસ્થાને અસર ન થાય.
બ્લિંકને જણાવ્યું હતું કે, “અમે અમારા યુરોપિયન ભાગીદારો અને સહયોગીઓ સાથે રશિયામાંથી તેલની આયાત પર પ્રતિબંધો લાદવાની શક્યતા અંગે ચર્ચા કરી રહ્યા છીએ, સાથે જ વિશ્વભરના બજારોમાં તેલનો પૂરતો પુરવઠો છે તેની ખાતરી પણ કરીએ છીએ.” ઈરાને ૨૦૧૫માં પરમાણુ કરારને લઈને સમજૂતી કરી હતી. આમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના પાંચ સભ્યો ઉપરાંત જર્મનીનો પણ સમાવેશ થાય છે. ૨૦૧૮માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેના કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. તાજેતરની મંત્રણામાં રશિયાએ એક નવી માંગ મૂકી છે. તે કહે છે કે યુક્રેન કટોકટીથી તેહરાન સાથેના તેના વ્યવસાયિક સંબંધોને કોઈપણ રીતે અસર થવી જોઈએ નહીં. આના કારણે મંત્રણા પૂર્ણ થઈ શકી નથી અને ઈરાનથી સપ્લાય કરવામાં આવતા તેલ પર ફરી ગ્રહણ લાગી ગયું છે.
આ અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સોનું ૨૦૦૦ ડોલરથી વધુ જ્યારે ચાંદી ૨૬ ડોલરને પાર પહોંચી ગયુ છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો સોના અને ચાંદીમાં વધુ ઉછાળો જોવા મળશે.