ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે
હવામાન ખાતાના જણાવ્યાનુસાર અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ નબળું હોવાથી વાતાવરણમાં કોઈ બદલાવ આવ્યો નથી. ચાર દિવસ સુધી તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઊંચું જવાનું હોવાથી લઘુતમ તાપમાન ૧૨ થી ૧૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮ કે તેનાથી વધુ રહેવાની સંભાવના છે. ત્યાર બાદ ઠંડીનો નવો રાઉન્ડ ચાર ફેબ્રુઆરીએ શરૂ થશે. જે ૬ ફેબ્રુઆરી સુધી જળવાયેલું રહેશે. ત્યાર પછીના એક સપ્તાહ બાદ ફરી એક ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. ૧૫ ફેબ્રુઆરી પછી ધીમે- ધીમે ઠંડીનું જોર ઘટતું જશે. દિવસમાં ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થશે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, સુરેન્દ્રનગર સિવાય બાકીના શહેરોમાં લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં નોંધાયું હતું. ભાવનગરમાં લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી, દ્વારકામાં ૧૪ ડિગ્રી, ઓખામાં ૧૮ ડિગ્રી, પોરબંદરમાં ૯.૪ ડિગ્રી, રાજકોટમાં ૧૦.૮ ડિગ્રી, વેરાવળમાં ૧૪.૭ ડિગ્રી, મહુવામાં ૧૧.૨ અને કેશોદમાં ૧૧.૮ ડિગ્રી નોંધાયું હતું.
રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી નોંધાયું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા રહ્યું હતું. જ્યારે દિવસમાં આ પ્રમાણ ઘટીને ૧૯ થી ૨૪ ટકાની વચ્ચે નોંધાયું હતું. પવન ૮ કિલોમીટર અને દિવસમાં પવનની ઝડપ ૬ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. રાજકોટમાં ધીમે- ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા સતત ત્રણ દિવસથી ઠંડીનો પારો ૧૦ ડિગ્રીએ યથાવત્ રહ્યો છે. રાજકોટમાં શનિવારે પણ લઘુતમ તાપમાન ૧૦.૮ ડિગ્રી જોવા મળ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ ૨૪ કલાક સુધી આટલું જ તાપમાન રહેશે. કાલથી ચાર દિવસ માટે લઘુતમ તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઊંચું જશે. હજુ ઠંડીના બે રાઉન્ડ બાકી છે. ૪ ફેબ્રુઆરીથી ઠંડીની શરૂઆત થશે. ત્યારબાદ ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધી મિશ્રઋતુ રહેશે. જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી રહેશે.