દબાણો દૂર કરી ૩ હેક્ટર જેટલા વિસ્તારમાં અંદાજે ૪૮૦૦ રોપાના વાવેતરનો પ્રારંભ
હિંમતનગરઃ “દબાણથી વન સુધી”ના આ વિચારને શક્ય બનાવતા આજે વૃક્ષારોપણના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાજિક વનીકરણ હેઠળ સાબરકાંઠા જિલ્લામાં આગવી પહેલ આદરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત હિંમતનગર હસ્તકની વિસ્તરણ રેન્જ દ્વારા મોતીપુરા કેનાલથી બોરીયા-પીપલોદીના પાટીયા સુધીના ૧૪ કિલોમીટરના કેનાલના પટ્ટામાં કેનાલ સાઇડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ દૂર થતાં અંદાજે ૩ હેક્ટર જેટલા વિસ્તારમાં અંદાજે ૪૮૦૦ રોપાનું વાવેતર કરવાનુ કાર્ય શરૂ કરાવામાં આવી રહ્યું છે. આ રોપા વાવેતરના કાર્યનો પ્રારંભ આજે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુત જિલ્લાની મુલાકાત દરમિયાન હિંમતનગરની કેનાલ બ્યુટીફિકેશન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વાવેતર અગાઉના કેનાલ સાઇડના દબાણો દૂર કરીને ૨૦૨૪-૨૫ ના વર્ષમાં અને “એસ” મોડેલ હેઠળ પટ્ટી વાવેતર (સ્ટ્રીપ પ્લાન્ટેશન)થી ફેન્સિંગ હેઠળ કરવામાં આવશે. અને કેનાલ પટ્ટામાં આગામી ત્રણ વર્ષમાં અંદાજે ૧૮૦૦૦ રોપાઓ વાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ યોજના તૈયાર કરી છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક સહિત સ્થાનિક તંત્ર જોડાયું હતું.