ઓછા વરસાદના કારણે બાજરી, કપાસ અને મગફળીનું વાવેતર ઓછું
ચાલુ ખરીફ સીઝનમાં કપાસનુ વાવેતર ૧૧૮.૧૩ લાખ હેક્ટરમાં થયુ છે, જ્યારે ગત ખરીફ સીઝનના સમાન સમયગાળામાં તે ૧૨૬.૪૫ લાખ હેક્ટર હતુ. ચોખાનું વાવેતર અત્યાર સુધીમાં ૪૦૧.૧૫ લાખ હેક્ટરમાં થઇ છે જ્યારે વિતેલ ખરીફ સીઝનના સમાન સમયગાળામાં તે ૪૦૦.૫૪ લાખ હેક્ટરમાં હતુ. કઠોળ પાકોનું વાવેતર ચાલુ ખરીફ સીઝનમાં વધી ૧૩૬.૮૫ લાખ હેક્ટરમાં થયુ છે જ્યારે ગત સીઝનના સમાન સમયગાળામાં તેનું વાવેતર ૧૩૫.૨૬ લાખ હેક્ટરમાં હતુ. જેમાં તુવેરનું વાવેતર ચાલુ સીઝનમાં વધીને ૪૯.૪૯ લાખ હેક્ટરમાં થયુ છે, જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં તેનુ વાવેતર ૪૭.૪૫ લાખ હેક્ટરમાં હતુ. અડદનુ વાવેતર ૩૭.૯૪ લાખ અને મગનુ ૩૭.૯૪ લાખ હેક્ટરમાં થયુ છે જ્યારે ગત ખરીફ સીઝનના સમાન સમયગાળામાં તેનુ વાવેતર ૩૭.૮૫ અને ૩૪.૯૨ લાખ હેક્ટરમાં હતુ.
તેલીબિયાં પાકોનું વાવેતર ચાલુ ખરીફમાં ૧૯૦.૯૪ લાખ હેક્ટરમાં થયુ છે, જ્યારે ગત સીઝનના સમાન સમયગાળામાં ૧૯૪.૧૪ લાખ હેક્ટરમાં થયુ હતુ. સોયાબીનનું વાવેતર ૧૨૧.૫૯ લાખ હેક્ટરમાં અને મગફળીનુ ૪૮.૫૦ લાખ હેક્ટરમાં થયુ છે.ચાલુ ખરીફ વાવેતરની સીઝન લગભગ સમાપ્ત થઇ ગઇ છે પરંતુ ચોમાસાની સીઝનમાં વરસાદ અપેક્ષા કરતા ઘણો ઓછો રહેતા કુલ કૃષિ પાકોનું વાવેતર ઓછુ રહ્યુ છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા જારી આંકડાઓ મુજબ ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી દેશમાં ખરીફ કૃષિ પાકોનું કુલ વાવેતર ૧.૧૫ ટકા ઘટીને ૧૦૮૧.૧૪ લાખ હેક્ટરમાં થયુ છે જ્યારે ગત ખરીફ સીઝનના સમાન સમયગાળામાં તે ૧૦૯૪.૦૧ લાખ હેક્ટરમાં હતુ.
ચાલુ ખરીફ સીઝનમાં ડાંગર, કઠોળ, શેરડી, મકાઇ અને સોયાબીનનું વાવેતર વધ્યુ છે, પરંતુ તેલીબિયાં તેમજ જાડા ધાન્યો અને કપાસનું વાવેતર ઘટયુ છે. દેશમાં ૧ જૂનથી ૩ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી વરસાદ સરેરાશની તુલનામાં ૯ ટકા ઓછો પડવાના કારણે ખરીફ પાકોનું વાવેતર ઘટયુ છે.