ડીઆરડીઓની ૨-ડીજી કોરોના વાયરસની દવા ઘણી જ પ્રભાવશાળીઃ અભ્યાસમાં દાવો
ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન તરફથી તૈયાર કરવામાં આવેલી દવા ૨-ડીજી કોરોના વાયરસની વિરુદ્ધ ઘણી જ પ્રભાવશાળી છે. તાજેતરમાં જ સામે આવેલી એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે. ગત ૧ જૂનના ડીઆરડીઓએ કહ્યું હતુ કે, ૨-ડીજી દવાનો હૉસ્પિટલમાં ભર્તી દર્દીઓમાં સહાયક ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે. નવી સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ડીઆરડીઓની દવા ૨-ડીજી કોવિડ-૧૯ના તમામ વેરિયન્ટની વિરુદ્ધ અસરકારક છે અને આ વાયરસને વધતો અટકાવે છે.
૧૫ જૂનના પ્રકાશિત થયેલી સ્ટડીની અત્યાર સુધી સમીક્ષા કરી શકાઈ નથી. આ સ્ટડીમાં અનંત નારાયણ ભટ્ટ, અભિષેક કુમાર, યોગેશ રાય, ધિવિય વેદાગિરી અને અન્ય લોકો સામેલ હતા. આ ઉપરાંત શરૂઆતની સ્ટડીથી જાણવા મળે છે કે ડ઼ીઆરડીઓની આ દવા સેલને સંક્રમણથી પ્રેરિત સાઇટોપેથિક ઇફેક્ટ દૂર કરી દે છે. ૨-ડીજીને ૧૭ મેના કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને ડૉ. હર્ષવર્ધને લૉન્ચ કરી હતી. લૉન્ચિંગ દરમિયાન કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે આ દવામાં દર્દીઓના સ્વસ્થ થવાના સમયને ઓછો કરવાની અને ઑક્સિજનની માંગને ૪૦ ટકા સુધી ઓછી કરવાની ક્ષમતા છે.
ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ એક જૂનના આ દવાને મધ્યમથી ગંભીર દર્દીઓને સહાયક ઉપચાર તરીકે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. સરકારી અધિકારીઓનું કહેવું છે કે ડીઆરડીઓની આ દવા બજારમાં ૯૦૦ રૂપિયા પ્રતિ પાઉચ હશે. આને હૈદરાબાદ સ્થિત ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી તરફથી વેચવામાં આવશે. કંપની કેન્દ્ર અને રાજ્ય સરકારોને ઓછી કિંમત પર દવા ઉપલબ્ધ કરાવશે. આ દવાને લઇને કેટલાક જાણકારો સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગંભીર ડાયાબિટિસ, હ્રદયની સમસ્યાઓ વગેરે જેવી બીમારીઓ પર આ દવાની અસરની અત્યાર સુધી સ્ટડી નથી કરવામાં આવી.