આજે વિશ્વ સિંહ દિવસઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી નિમિત્તે ગાંધીનગરથી સેટકોમ મારફતે સંબોધન કરશે
૧૦મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ગુજરાતભરમાં વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે ગાંધીનગરથી સંબોધન કરશે. આ ઉજવણી પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘વંદે ગુજરાત ચેનલ’ નંબર-૧ ૫૨ બપોરે ૧:૦૦ થી ૦૧:૩૦ કલાક સુધી કરવામાં આવશે. જેની લિંક મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા ફેસબુક, યુટ્યુબ, જેવા સોશિયલ મીડિયાના માધ્યમ પર કાર્યક્રમના ૧૫ મિનીટ પહેલા શેર કરવામાં આવશે એમ, નાયબ વન સંરક્ષકન યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સિંહ અંગેના ‘લાયન એન્થમ તેમજ “સિંહ સૂચના વેબ એપ”નું લોન્ચિંગ જ્યારે આઈ.એફ.એસ. ડૉ. સક્કિરા બેગમ દ્વારા નિર્મિત ગીરના સિંહ અંગેની કોફી ટેબલ બુક “The King of the jungle-The Asiatic Lions of Gir” ઉપરાંત “હું ગીરનો સિંહ” પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે.
૧૦મી ઓગષ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ-૨૦૨૩ની ઉજવણી નિમિતે ગ્રામીણ અને શહેરી કક્ષાએ શાળાઓ-કોલેજોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા તેમજ સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે કરાશે. જેમાં ખાસ કરીને એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારના ૧૦ જિલ્લાના ૭૪ તાલુકાની આશરે ૭.૦૦થી વધુ શાળા-કોલેજોમાં ઉજવણી કરવામાં આવશે.
સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ પારિસ્થિતિક તંત્રની દૃષ્ટિએ આગવું મહત્વ ધરાવતી પ્રજાતિ છે. સમગ્ર વિશ્વમાં તેના સંરક્ષણ અને સંવર્ધન માટે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ ઉજવણીમાં જેતે ગામ શહેરની શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, લોકપ્રતિનિધિઓ, ગ્રામજનો, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ શાળાએ ૧૦મી ઓગષ્ટના રોજ એકત્ર થઈ આ કાર્યક્રમમાં જોડાશે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી બાદ શાળાના પટાંગણમાંથી નિયત કરવામાં આવેલ રૂટ પર સિહોના મહોરા પહેરી અને બેનર લઇ સાથોસાથ સિંહ સંરક્ષણ અને સંવર્ધનને લગતા નારાઓ બોલવા સાથે ઐતિહાસિક મહારેલી કાઢી રેલી પૂર્ણ કરી તમામ શાળાના પટાંગણમાં એકત્ર થઇ સભાના રૂપમાં મળશે. જ્યાં શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સ્થાનિક એકત્ર લોકો દ્વારા સિંહ પર વક્તવ્ય આપવામાં આવશે અને એશિયાઇ સિંહના સંરક્ષણ માટે સંકલ્પ-પ્રતિજ્ઞા લઈને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.