અમદાવાદ શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી પેટ્રોલ પંપમાં આગ લાગ્યા બાદ ધડાકો થતા અફરાતફરી
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપ આગ લાગવાથી અફરાતફરી સર્જાઇ હતી. આગની ઘટનાને લઇને દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
વિગત પ્રમાણે શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપમાં મંગળવારે સાંજના સાડા આઠની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો, જેનો અવાજ એકાદ કિલોમીટર સુધી સંભળાયો હતો. આગની આ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતુ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી.
જોકે આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી. પરંતુ પેટ્રોલ ટેન્કર ખાલી કરવા જતા તેની પાઇપની અંદર આગ લાગી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, જોકે ચોક્કસ કારણ તપાસના અંતે બહાર આવશે. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી નથી.