બ્રિટનના પીએમ પદે બોરિસ જ્હોન્સન યથાવત
બ્રિટનની બોરિસ જ્હોન્સન સરકાર વધતી મોંઘવારી અને પાર્ટીગેટ સ્કેન્ડલના પગલે વિવાદમાં ફસાઈ હતી. હવે ખાસ વાત એ છે કે કન્ઝર્વેટિવ પાર્ટીના હાલના નિયમો મુજબ આ જીત સાથે જ્હોન્સને ઓછામાં ઓછા ૧૨ મહિના સુધી કોઈ પણ અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવો પડશે નહીં. કોવિડ લોકડાઉન દરમિયાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પર પાર્ટીઓ કરવા મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક સાંસદોએ પીએમ જ્હોન્સનના રાજીનામાની માંગણી કરી હતી. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની ખુરશી પર જે જોખમ તોળાઈ રહ્યું હતું તે હાલ પૂરતું તો ટળી ગયું છે. કારણ કે તેમણે ૨૧૧ સાંસદોના મત સાથે અવિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો છે. તેમની પાર્ટીને ૩૫૯ સાંસદોમાંથી ૨૧૧ સાંસદોના મત મળ્યા. જ્યારે જીત માટે ૧૮૦ સાંસદોના મત જરૂરી હતા. હવે આ આ જીત સાથે તેઓ પ્રધાનમંત્રી પદે યથાવત રહેશે.
કન્ઝર્વેટિવ પાર્ટી પાર્લિયામેન્ટ્રી ગ્રુપના ચેરમેન ગ્રેહામ બ્રાડીએ આ જીતની જાહેરાત કરી. તેમણે કહ્યું કે હું જાહેરાત કરું છું કે પ્રધાનમંત્રી પર પાર્ટીના સંસદીય દળને ભરોસો છે. કન્ઝર્વેટિવ પાર્ટીના ૫૪ જેટલા સાંસદોએ અવિશ્વાસના પ્રસ્તાવને ટેકો આપ્યો. જે કુલ સંખ્યાના ૧૫ ટકા છે. બોરિસ જ્હોન્સન પણ આ જ પાર્ટીના છે. પાર્ટીના નિયમો મુજબ જો ૧૫ ટકા સાંસદો પોતાની પાર્ટીના પીએમના નેતૃત્વમાં અવિશ્વાસ જતાવે તો પીએમએ અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવો પડે છે.
જો કે હવે બોરિસ જ્હોન્સને આ અવિશ્વાસ પ્રસ્તાવ પર જીત મેળવી છે. આથી પાર્ટીના નિયમો મુજબ તેમણે એક વર્ષ સુધી તેનો સામનો કરવો પડશે નહીં. બોરિસ જ્હોન્સને કોરોના મહામારી દરમિયાન ૨૦૨૦માં તેમના કેટલાક નીકટના લોકો અને મંત્રીઓ સાથે પૂલ પાર્ટી કરી હતી. તે સમયે બ્રિટનમાં આકરું લોકડાઉન લાગૂ હતું. આ પાર્ટીની વિગતો બહાર આવ્યા બાદ શરૂમાં તો જ્હોન્સને તેમાં સામેલ હોવાની ના પાડી પણ જ્યારે ફોટા વાયરલ થયા તો તેમણે સ્વીકારી લીધુ અને ખેદ વ્યક્ત કર્યો. પણ આ મુદ્દે તેમની પાર્ટી સહિત વિપક્ષે પણ આકરી ટીકા કરી. કોરોના લોકડાઉનના ભંગ બદલ લંડન પોલીસે તેમને દંડ પણ ફટકાર્યો. જેના કારણે તેઓ પદ પર રહીને દંડ ભોગવનારા પહેલા બ્રિટિશ પીએમ પણ બન્યા.
પરિણામ આવ્યા બાદ પીએમ બોરિસ જ્હોન્સન ખુશ જોવા મળ્યા. તેમણે અવિશ્વાસ પ્રસ્તાવના પરિણામને સકારાત્મક, ઉત્તમ અને નિર્ણાયક ગણાવ્યું. તેમણે કહ્યું કે આ પરિણામ બાદ બ્રિટન એકજૂથ થઈને નવી દિશામાં આગળ વધી રહ્યું છે. આપણે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરીશું. જો કે આમ છતાં વિપક્ષે કટાક્ષ કરતા કહ્યું કે બોરિસ જ્હોન્સન વિરુદ્ધ તેમની પાર્ટીના ૧૪૮ સાંસદોએ મત આપ્યા. જેનો અર્થ એ થયો કે પાર્ટીના ૪૦ ટકાથી વધુ સાંસદ તેમને પીએમ પદેથી હટાવવા માંગે છે.