રાજ્યમાં બેવડી ઋતુની અસર વચ્ચે ગુજરાતમાં શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે
ઉત્તર ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા બાદ ખરી ઠંડીનો અહેસાસ થવા લાગશે
અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે અનુમાન કર્યુ કે, રાત્રે લઘુતમ તાપમાન ૨૦થી ૨૨ ડિગ્રી આસપાસ રહેશે. ગત રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયું છે. આવતા સપ્તાહથી ઠંડીનું જોર વધશે. જોકે ખરી ઠંડી તો ડિસેમ્બર મહિનામાં પડશે. ઉત્તર ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા બાદ ગુજરાતમાં ખરી ઠંડીનો અહેસાસ થવા લાગશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ ટ્રન્ઝીટ પીરિયડ છે. આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે. ગુજરાતમાં હજુ ૧૫ દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે. પરંતુ શિયાળો હવે મોડો આવશે. શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે.
હવામાન વિભાગના એક્સપર્ટસના અનુસાર, હજુ ૧૫ દિવસ શિયાળાની રાહ જોવી પડશે. હજુ પંદર દિવસ મિશ્ર વાતાવરણ બની રહેશે. બપોરના સમયે ગરમી જ્યારે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. આવા સમયે વાદળો પણ છવાશે. હાલ માવઠાની કોઈ શક્યતા દેખાતી નથી. આવામાં હવામાન વિભાગના એક્સપર્ટસ ખેડૂતોને સલાહ આપી રહ્યાં છે કે, સામાન્ય રીતે કેટલાક વિસ્તારોમાં શિયાળુ પાકનું વહેલુ વાવેતર કરવામાં આવતુ હોય છે. જે ન કરવું જોઇએ. યોગ્ય ઋતુ બેસે તે બાદ જ વાવેતર કરવુ યોગ્ય રહેશે. જેથી પાકનો ઉગાવો સારો આવે. આવુ કરવાથી પાકને નુકસાન પણ થતુ નથી.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. ૨૨ ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરૂ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. ૫મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી રહેવાની શક્યતા છે.
ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન ૭ ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. ૨૬ ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે. આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જો પૂનમે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેતો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે.