અમદાવાદની દિકરી માના પટેલ ઓલમ્પિક્સમાં દેશનું “ગૌરવ” વધારશે
અમદાવાદની સ્વીમર માના પટેલની ટોક્યો ઓલમ્પિક્સની બેકસ્ટ્રોક સ્વીમીંગ સ્પર્ધા માટે પસંદગી થઇ છે. આ કેટેગરીમાં પસંદગી પામનારી દેશની પ્રથમ મહિલા બની છે.
જાપાનના ટોક્યો શહેરમાં યોજાનારી ઓલમ્પિક્સ 2021માં માના પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરી ગુજરાત અને દેશનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારશે.
અમદાવાદ શહેરના સી.જી.રોડ વિસ્તારમાં રહેતી માના પટેલ છેલ્લા 11 વર્ષથી સ્વીમીંગ કરે છે. 10 વર્ષની નાની ઉમરથી જ તેણે સ્વીમીંગમાં ઝંપલાવ્યું હતુ. તેના માતા-પિતા કહે છે કે, બાળપણમાં માનાની રૂચિ વિવિધ રમતોમાં જોવા મળતી હતી. પરંતુ સ્વીમીંગમાં વધારે રસ દાખવતી હોવાથી તેણે સ્વીમીંગમાં જ કારકિર્દી બનાવવાનું અને આગળ વધવાનું નક્કી કર્યું.
માના પટેલે 11 વર્ષમાં કુલ 150થી પણ વધું પદકો વિવિધ સ્તરે જીતીને પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે, જે મહેનતનું આજે તેમને પરિણામ મળ્યું છે.
માનાની કારકિર્દી ઘડતરની શરૂઆત રાજ્યના જાણીતા સ્વીમીંગ કોચ કમલેશ નાણાવટીના માર્ગદર્શન હેઠળ થઇ હતી. વર્ષ 2011થી 2015 સુધી કમલેશ નાણાવટીએ માના પટેલને સ્વીમીંગ માટે તૈયાર કરી હતી.