કેન્દ્ર બાદ કેરળ અને રાજ્સ્થાનમાં પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ઘટાડો કર્યો
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણની જાહેરાત બાદ કેરળ અને રાજસ્થાન સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. કેરળ સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨.૪૧ અને ડીઝલના ભાવમાં રૂ. ૧.૩૬ પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. જ્યારે, રાજસ્થાન સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર ૨.૪૮ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર ૧.૧૬ રૂપિયાનો વેટ ઘટાડ્યો. આ પછી રાજ્યમાં પેટ્રોલ ૧૦.૪૮ રૂપિયા અને ડીઝલ ૭.૧૬ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. નોંધનીય છે કે આ પહેલા ૨૨ માર્ચથી ૬ એપ્રિલ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ૬ એપ્રિલથી આ ભાવ સ્થિર હતા. ૪૬ દિવસ બાદ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો છે.
મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજા માટે મોદી સરકારે મોટો ર્નિણય લીધો છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગ બાદ કેન્દ્ર સરકારે લોકોને ખુશખબર આપીને મોટી રાહત આપી છે. કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર ૮ રૂપિયા અને ડીઝલ પર ૬ રૂપિયાનો ટેક્સ ઘટાડ્યો છે. ત્યારબાદ પેટ્રોલ ૯.૫૦ રૂપિયા અને ડીઝલ ૭ રૂપિયા સસ્તું થયું છે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઘટાડીને લોકોને રાહત આપી છે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજસ્થાન અને કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.