હૈદરાબાદ બાદ જયપુર પ્રાણી સંગ્રહાલયના સિંહ કોરોના પોઝિટિવ
માણસોને પરેશાન કર્યા બાદ હવે કોરોનાવાયરસને જાનવરોને પણ બક્ષ્યા નથી. જયપુર પ્રાણી સંગ્રહાલયમાં રહેતા ત્રિપુર નામના સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાનના અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે. સિંહમાં વાયરસનો SARS-CoV-2મળ્યો છે. ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાનના સંયુક્ત ડાયરેક્ટર કેપી સિંહે કહ્યું કે જયપુરના પ્રાણી સંગ્રહાલયનો એક સફેદ સિંહ સહિત ૨ સિંહ બીમાર હતા જે બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો.
તેમણે કહ્યું કે જયપુરથી ૩ સિંહ, ૩ ચીત્તા અને ૧ પેન્થર સહિત કુલ ૧૩ જાનવરોના સેમ્પલ લેવામાં આવ્યાં છે. તેમણે આગળ કહ્યું કે પંજાબના છતબીર પ્રાણી સંગ્રહાલયથી ૩ ચીત્તા, ૧ જંગલી બિલાડી અને ૧ કાળા હરણના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ ઉપરાંત બરેલીથી પણ એક કાળાં હરણના સેમ્પલ લેવામાં આવ્યા. આ તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
કેપી સિંહે આશંકા જતાવી કે જે લોકો આ જાનવરોની દેખભાળ કરે ચે અને જેમનામાં કોરોનાના લક્ષણો જણાતા નથી એવા લોકોના કારણે આ જાનવરોમાં કોરોના ફેલાયો હોવાની સંભાવના છે. જ્યારે ૪ મેના રોજ સીએસઆઈઆર-સેલુલર અને આણ્વિક જીવવિજ્ઞાન કેન્દ્રએ કહ્યું હતું કે હૈદરાબાદ પ્રાણી સંગ્રહાલયમાં આઠ એશિયા સિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે.