માઈનસ ૨ ડિગ્રીથી આબુ ઠૂઠવાયું, ગુરુશિખર પર માઈનસ ૫ ડિગ્રી
ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી
ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આવામાં બનાસકાંઠાને અડીને આવેલુ રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ૨ ડિગ્રી પર પહોંચ્યું છે. તો માઉન્ટ આબુના ગુરૂશિખર ઉપર તાપમાન માઇનસ ૫ ડિગ્રી પહોંચી ગયું છે. તાપમાન માઇનસમાં જતાં ખુલ્લા મેદાનોમાં બરફની પરત જામી છે. ગાડીઓ ઉપર, પાણી રાખવાના કુંડા અને વાસણોમાં બરફ જામ્યો છે. આવામાં ઠંડીથી બચવા પ્રવાસીઓ અને સ્થાનિકો તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે.
કડકડતી ઠંડીમાં પણ આબુમાં સહેલાણીઓ મજા માણી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમા પડે તેવી ઠંડી હાલ આબુમાં અનુભવાઈ રહી છે. તેથી આ ઠંડી માણવા માટે આવનારા સહેલાણીઓનું પ્રમાણ વધી ગયું છે. આબુના અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ, ૩ દિવસ રાજ્યમાં ઠંડીથી કોઈ રાહત નહિ મળે. જેમાં હજી બે દિવસ કડકડતી ઠંડી પડશે. તો કચ્છમાં આગામી ૨ દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરાઈ છે. અમદાવાદમાં પણ ૨ દિવસ કોલ્ડવેવની આગાહી કરાઈ છે.
ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાતા હોવાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે. પવનની ગતિ પણ ૧૫થી ૨૦ કિમી પ્રતિ કલાકની રહેશે. જાેકે, ૩૦ ડિસેમ્બર બાદ જ ઠંડીમાંથી રાહત મળશે. ૩૧ ડિસેમ્બરથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું જાેર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.