ભરૂચના નેત્રંગ પાસે ટાઈલ્સ ભરેલા ટ્રકે ૩ બાઈકને અડફેટે લીધા, ૩ લોકોના મોત, ૩ ઈજાગ્રસ્ત
ભરૂચ જિલ્લાના નેત્રંગ પાસે ધાણીખુટ અને થવા ગામની વચ્ચે નાળા પર ટ્રકે ત્રણ બાઈકને અડફેટે લેતા ૨ બહેનો સહિત ૩ લોકોના મોત થયા છે. જ્યારે ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તને નેત્રંગ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે.
નેત્રંગ-ડેડિયાપાડા રોડ પર મહારાષ્ટ્રથી ટાઈલ્સ ભરીને ટ્રક નેત્રંગ તરફ જઈ રહ્યો હતો. ત્યારે ટ્રકે ૩ બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બે બહેનો સહિત ૩ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ૩ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા.
જેથી ગંગાપુર અને ડેડિયાપાડાથી ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને નેત્રંગ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મિનેશ મનસુખભાઈ વસાવા તેની બહેન આશા ધિરેનભાઇ વસાવા અને બે ભાણીઓ દ્રષ્ટી અને ધ્રુવીને લઈને બાઈક પર ડેડિયાપાડાના ચૂલી ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માત થતાં બે ભાણીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બહેન અને ભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી ભાઈની હાલત ગંભીર છે. જ્યારે ડેડિયાપાડાના બાબદા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર સંજય દામજી વસાવા નેત્રંગ પોસ્ટ ઓફિસમાં કામ પતાવીને પરત જતા હતા, ત્યારે અકસ્માત થતાં તેમનું મોત થયું હતું.
મૃતકોના નામઃ
સંજય દામજી વસાવા (ઉ.૩૫), (રહે, બાબદા, તા. ડેડિયાપાડા, જિ.નર્મદા), દ્રષ્ટી ધિરેન વસાવા(ઉ.૦૬) ધ્રુવી ધિરેન વસાવા(ઉ.૧૦)
ઇજાગ્રસ્તોના નામઃ શનાભાઇ નરસીભાઇ વસાવા(ઉ.૩૫), (રહે, ગુલજાજામ, તા.ડેડિયાપાડા, જિ.નર્મદા), આશા ધિરેન વસાવા (ઉ.૨૫) (રહે, ચૂલી, તા.ડેડિયાપાડા, જિ.નર્મદા), મિનેશ મનસુખ વસાવા (ઉ.૩૨) (રહે, ખરેડા, તા.નેત્રંગ, જિ.ભરૂચ)