ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજકોટમાં ૨૪ થી ૨૮ મે રાષ્ટ્રીય કક્ષાનો ‘ગૌ ટેક’ એક્સ્પો યોજાશે
ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૨૪ થી ૨૮ મે દરમિયાન ‘ગૌ ટેક’ (ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન)નું આયોજન જી.સી.સી.આઈ. દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી ૨૦૦થી વધુ ઉદ્યમીઓ ભાગ લઈને ગાય આધારિત ઉત્પાદનોનું નિદર્શન કરશે. જેમાં ગોબરમાંથી બનેલા પ્લાસ્ટર, ઈંટ, પ્લાયવૂડ, પેઈન્ટ, કાગળ, ફોટોફ્રેમ સહિતની વસ્તુઓ પણ જોવા મળશે.
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઇઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ.)ના સ્થાપક તેમજ રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, ગૌ ટેક એક્સ્પો નિમિત્તે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિષયો સાથેના નવ સેમિનાર, ગૌ આધારિત થીમ પરના સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિશેષ પ્રદર્શન પણ યોજવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી, ગૌ સંવર્ધન સાથે કૃષિ આધારિત ઉદ્યોગોને વેગ આપીને રોજગારી સર્જન તેમજ આર્થિક વિકાસ પર ભાર મુકી રહી છે, ત્યારે આ કાર્યક્રમની શૃંખલાના ભાગરૂપે યોજાઇ રહેલો ગૌ ટેક કાર્યક્રમ પણ ગૌ આધારિત અર્થવ્યવસ્થાને વેગ આપશે. આ કાર્યક્રમ સરકારથી વ્યવસાય (જી.ટુ.બી.) તથા વ્યવસાયથી વ્યવસાય (બી.ટુ.બી.) માટે એક મહત્વનો મંચ પૂરવાર થશે. આ ઉપરાંત ગૌ આધારિત ઉદ્યોગો-ક્ષેત્રો સાથે જોડાયેલી મશીનરી, ટેક્નોલોજી તેમજ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. જેનાથી ઔદ્યોગિક વિકાસ માટે પણ નવી સંભાવનાઓ ખુલશે.
રાજકોટ ખાતે યોજાનારા ચાર દિવસીય ‘ગૌ ટેક’ એકસ્પોમાં ગૌમૂત્રમાંથી બનતા ફિનાઈલ, સાબુ, જૈવ-કિટનાશક ઉપરાંત ગોબરમાંથી બનતી અન્ય જીવનજરૂરી તથા સુશોભનની અનેકવિધ નવતર વસ્તુઓ જોવા મળશે.