વિશ્વામિત્રી નદીના કિનારે ૭૦૦ વર્ષ જૂની બે પ્રાચીન ગુફાઓ સહિત મીઠા પાણીનું ઝરણું મળ્યું
વડોદરા શહેરના કામનાથ મહાદેવ મંદિરના ઓવારા જાગૃત નાગરિકો દ્વારા સફાઈ કરવામાં આવતા ૭૦૦ વર્ષ જૂની ગુફાઓ અને મીઠા પાણીનું ઝરણું મળી આવ્યું છે. વડોદરાના દીર્ઘદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા ૭૦૦ વર્ષ અગાઉ શહેરની રક્ષા માટે નવનાથ મહાદેવની સ્થાપના કરી હતી. અને દરેક મંદિરો પાસે બનારસના ઘાટ જેવી પ્રતિકૃતિ સમાન ઘાટ બનાવાયા હતા. કાળક્રમે તંત્રની નિષ્કાળજીના કારણે કચરો અને ડ્રેનેજની લાઈનો વિશ્વામિત્રી નદીમાં જોડી દેવાતા નદી કિનારે આવેલ નવનાથ મંદિરોની ભવ્યતા નાશ પામી છે.
જોકે કાવડયાત્રા સમિતિના અગ્રણી નીરજ જૈન સહિતના જાગૃત નાગરિકોએ ૯૦ કિલોમીટરનો પટ ધરાવતી વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ કામનાથ મહાદેવ મંદિરના ઓવારાની સફાઈ કરતા બે પ્રાચીન ગુફાઓ મળી આવી છે. જ્યાં ઋષિ વિશ્વામિત્રીએ તપ કર્યું હતું. ત્યાં જ એક વાવ મળી છે પરંતુ એ વાવમાં પણ સેવાસદન દ્વારા ડ્રેનેજ લાઈન આપી દીધી છે.
ચોંકાવનારી વાત એ છે કે મલિન જળને કારણે ગટરગંગા બનેલી વિશ્વામિત્રી નદીના આ કાંઠેથી પી શકાય તેવા મીઠા પાણીનું ઝરણું પણ મળી આવ્યું છે. શહેરના મહાદેવ ભક્તોનું માનવું છે કે, તંત્ર સાથ સહકાર આપે તો શહેરની ઐતિહાસિક ધરોહર સમાન વિશ્વામિત્રી નદી અને નવનાથ મંદિરો વિશ્વ માટે જોવા લાયક સ્થળ બની રહેશે.