વરસાદ બાદ પણ કેસર કેરીની પુષ્કળ આવક
આ ઉનાળાની સિઝનમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો તેને કારણે ગીર સોમનાથના તાલાલાની પ્રખ્યાત કેરીના પાક પર ખતરો તોળાયો હતો. કેસર કેરીના (દ્ભીજટ્ઠિ સ્ટ્ઠહર્ખ્ત) પાકને માવઠાને કારણ નુકસાન પણ થયું હતું. કેસર કેરીના રસિયાઓને હતું કે આ વર્ષે કેસર કેરીના ભાવ આસમાને પહોંચશે અને તેને કારણે કેસર કેરી ખાવા નહીં મળે. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે તાલાલા યાર્ડ કેસર કેરીઓના બોક્સથી છલકાઈ રહ્યું છે. ખેડૂતોને હતું કે કેસર કેરીને મોટાપ્રમાણમાં નુકસાન થશે. પરંતુ માવઠા બાદ પણ કેરીનું ઉત્પાદન એટલું બધું થયું કે ખેડૂતો પણ ખુશ છે. માત્ર તાલાલા મેંગો માર્કેટની વાત કરીએ તો અત્યાર સુધી યાર્ડમાં ત્રણ લાખ બોક્ષની આવક થઈ છે. સાથે જ છેલ્લા બે દિવસમાં રેકોર્ડ બ્રેક ૨૫ હજાર કેરીના બોક્સની આવક થઈ છે. જો કિંમતની વાત કરીએ તો ૧૦ કિલોના બોક્સના ૩૦૦ રૂપિયાથી લઈને ૭૦૦ રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય સીઝનમાં પણ આટલી બમ્પર આવક ભાગ્યે જ જોવા મળે છે, જે છેલ્લા બે દિવસથી જોવાઈ રહી છે. આટલું જ નહીં પણ આ સિઝનમાં ૮૦૦ ટન કેસર કેરી વિશ્વના અનેક દેશોમાં નિકાસ પણ કરવામાં આવી છે.