ઈન્ટ્રાનેઝલ વેક્સીન ક્યારે અને ક્યાં મળશે અને કેટલી હશે કિંમત? તમામ માહિતી જાણો
ભારતમાં બુસ્ટર ડોઝ તરીકે ઈન્ટ્રાનેઝલ કોવિડ રસી આગામી મહિનેથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે ઈન્ટ્રાનેઝલ રસી બનાવી છે. જે હાલમાં જ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) એ મંજૂરી આપી હતી. ઈન્ટ્રાનેઝલ વેક્સીનનું બાયોલોજિકલ નામ iNCOVACC રાખવામાં આવ્યું છે. આ ભારતની પહેલી ઈન્ટ્રાનેઝલ રસી છે. ખાસ વાત એ છે કે રસીની શરૂઆતમાં કિંમત ઓછી રાખવામાં આવી છે.
આ રસી આગામી મહિનેથી પ્રાઈવેટ સંસ્થાઓમાં ઉપલબ્ધ થશે અને ૧૮ વર્ષથી ઉપરના લોકો તેને લઈ શકશે. ઈન્ટ્રાનેઝલ વેક્સીન ફક્ત એવા લોકો માટે છે જેમણે કોવીશિલ્ડ કે કોવેક્સીનના બંને ડોઝ લીધેલા છે. એવું કહેવાય છે કે ઈમ્યુનાઈઝેશન મુદ્દે નેઝલ રૂટ રસી મામલે સૌથી વધુ અસરકારક હોય છે. આ રસી આગામી મહિનેથી કોવિડ એપ ઉપર પણ ઉપલબ્ધ થઈ જશે. નેઝલ રસીની કિંમત જાણો?.. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નેઝલ વેક્સીન iNCOVACC હાલ કોવિડ એપ પર નથી. ગત મહિને કેન્દ્રીય ડ્રગ રેગ્યુલેટરે ભારત બાયોટેકની આ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. આ રસીની કિંમત પ્રાઈવેટ સંસ્થાનોમાં ૯૦૦ રૂપિયા પ્રતિ ડોઝ રહી શકે છે. જ્યારે ભારત બાયોટેક મુજબ જો રસીનો સપ્લાય કેન્દ્ર કે રાજ્ય સરકારને કરવામાં આવશે તો તેની કિંમત ૩૨૫ રૂપિયા પ્રતિ ડોઝ રહી શકે છે. ભારતનો પહેલો નીડલ ફ્રી બુસ્ટર ડોઝ સાબિત થશે તેવું લાગી રહ્યું છે. iNCOVACC એક એડેનોવાયરસ વેક્ટર્ડ રસી છે. જેની ત્રણેય ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી છે. ઈન્ટ્રાનેઝલનો અર્થ એ કે આ રસીને નેઝલ રૂટ દ્વારા આપવામાં આવશે. જે ડ્રોપલેટના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરશે અને કોરોના વાયરસ સામે લડવામાં વધુ અસરકારક સાબિત થશે. આ રસીને ખાસ કરીને ઓછી આવકવાળા દેશો માટે બનાવવામાં આવી છે. નીડલ ફ્રી વેક્સીન હોવાના નાતે ભારત બાયોટેકની iNCOVACC ભારતનો પહેલો બુસ્ટર ડોઝ છે.