ભરૂચ અને અંકલેશ્વરમાં ફાયર સેફ્ટી વિનાની ૬ કોમર્શિયલ બિલ્ડીંગ અને ૧૧ દુકાનો સીલ કરાઈ
ભરૂચ અને અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડીંગ, એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર એનઓસી ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે. હાઇકોર્ટમાં ફાયર સેફટી વગરની હાઈરાઈઝ બિલ્ડીંગ, કોમર્શિયલ મિલકતો સહિત સામે પી.આઈ.એલ. દાખલ કરાઈ હતી. હજી પણ રાજ્યમાં ફાયર સેફટી વિનાની બિલ્ડીંગો અને કોમર્શિયલ મિલકતોને લઈ હાઇકોર્ટે કડક ટકોર કરી હતી.
રિજનલ મ્યુન્સીપલ કમિશનર અને રિજનલ ફાયર ઓફિસરની સૂચનાથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ પાલિકા દ્વારા હવે ફાયર સેફટી વિનાની બિલ્ડીંગો અને કોમર્શિયલ મિલકતો ઉપર ગાજ વરસાવવાનું શરૂ કરાયું છે. ભરૂચ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી દ્વારા રવિવારે ટીમ સાથે નીકળી અલફલક કોમર્શિયલ બિલ્ડીંગને આખે આખું સીલ કરી દેવાયું હતું. સાથે જ શક્તિનાથ અંબર સંકુલ, આશિયાના, સ્ટાર હાઈટ્સ અને કિંગડમ હાઇરાઈઝ બિલ્ડીંગમાં આવેલી ૪ કોમર્શિયલ દુકાનોને સીલ કરી દેવાઈ હતી.
ભરૂચમાં ૧૭ હાઈરાઈઝ બિલ્ડીંગ સાથે ૫૦ બિલ્ડીંગો અને દુકાનોમાં અવાર નવારની પાલિકાની નોટિસો છતાં ફાયર એન.ઓ.સી. મેળવાઈ નથી. જેમની સામે હવે સિલિંગની કાર્યવાહી થઈ રહી છે. અંકલેશ્વર પાલિકા મુખ્ય અધિકારી કેશવ કોલડીયાએ ફાયર એન.ઓ.સી. વિનાની ૫ કોમર્શિયલ બિલ્ડીંગ અને ૭ કોમર્શિયલ દુકાનોને સિલિંગની કાર્યવાહી કરાઈ રહી હોવાની માહિતી આપી હતી. અંકલેશ્વરમાં ફાયર સેફટી વિનાની ૨૨ કોમર્શિયલ બિલ્ડીંગ અને ૪ એસેમ્બલી હોલ સામે હાલ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.