આજવા ડેમની સપાટી વધીને ૨૧૧.૫૦ ફૂટે પહોંચી
આજવાના કેચમેન્ટ વિસ્તારમાં ૧૪૧ મિ.મી. જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેને અનુલક્ષીને ત્યાંના નિયંત્રણ કક્ષ દ્વારા વહેલી પરોઢના સમયે વિશ્વામિત્રીના હેઠવાસના અસર પામતા ગામોના સરપંચો અને અગ્રણીઓને મોબાઈલ દ્વારા નદીમાં પાણી આવવાની સંભાવના અંગે સાવચેત કરવામાં આવ્યા હતા. જરોદ અને આજવા પોલીસ મથકોને પણ સંદેશ આપવામાં આવ્યો હતો. સપાટી રૂલ લેવલથી વધી ત્યારે જળાશયમાં પાણીની આવક ૬૨૭૧ ક્યુસેક હતી અને વિશ્વામિત્રી નદીમાં જળ પ્રવાહ ૪૧૧૫ ક્યુસેક હતો. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ ને મળેલા સંદેશમાં આજવાના ૬૨ દરવાજા પર થઈને વિશ્વામિત્રીમાં પાણી આવવાનો સંકેત આપવામાં આવ્યો હતો. સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે વડોદરા અને વાઘોડિયામાં ૩.૫-૩.૫ ઇંચ અને પાદરામાં ૨.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં સમયાંતરે વરસી રહેલા વરસાદને પગલે અસહ્ય ઉકળાટ વધી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા લોકોએ ઉકળાટથી રાહત અનુભવી હતી. ભારે વરસાદને કારણે ડભોઇ-છોટાઉદેપુર રેલવે લાઇન પર છુંછાપુરા અને ડભોઇ વચ્ચે રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત થતાં પ્રતાનગર-છોટાઉદેપુર મેમુને છુંછાપુરા અને છોટાઉદેપુર-પ્રતાપનગર મેમુને બોડેલી સ્ટેશને રોકી દેવામાં આવી છે. તેમજ બંને ટ્રેનના ૩૦થી વધુ મુસાફરોને બસ દ્વારા તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ દરમિયાન મુસાફરો માટે પીવાનું પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. વાઘોડિયા રોડ ખાતે આવેલા વડોદરા મહાનગર પાલિકા સંચાલિત રેવા પાર્ક ગાર્ડનમાં સામાન્ય વરસાદમાં ઘૂંટણથી પણ ઉપર સુધીના પાણી ભરાયેલા છે. આ ગાર્ડનમાં કોઈપણ પ્રકારની ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. ગાર્ડનની અંદર પાણીના બહાર નીકાલની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી પરિસ્થિતિમાં ગાર્ડનમાં આવતા સિનિયર સિટીઝનો માટે ગાર્ડનમાં ચાલવું તો દૂર અહીં પગ મૂકવો પણ મુશ્કેલ બની ગયો છે. વડોદરાના તરસાલી-મકરપુરા રોડ પર આવેલા રિદ્ધિ ફ્લેટ પાસે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ફરી એકવાર પોલ ખુલ્લી પડી ગઈ હતી. વડોદરાના તરસાલી-મકરપુરા રોડ પર આવેલા રિદ્ધિ ફ્લેટના રહેવાસી પાણી ભરાતા સોસાયટીના રહીશોને મુશ્કેલી પડી રહી છે. ગાડીઓના સાઇલેન્સરમાં પાણી ભરાઇ ગયા છે. પાલિકામાં જગ્યા છે, વેરો ભરીએ છીએ. તેમ છતાં અહીં સફાઇ થતી નથી. જેથી અહીં રોગચાળો ફેલાવવાનો ભય છે. અમારા બાળકોની અમને ચિંતા થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદને લઈને મધ્ય રાત્રી પછી દેવ ડેમમાં સપાટી ૮૭.૮૫ મીટર થી વધીને ૮૭.૯૧ મીટર થતાં રૂલ લેવલ જાળવવા ગેટ નં.૩,૪,૫ અને ૬ને ૦.૪૫ મીટર જેટલા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વાઘોડિયા,ડભોઇ અને વડોદરા ગ્રામ સહિત અસર પામતા તાલુકાઓના તંત્રોને સતર્ક રહીને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અસર પામતા ગામોના લોકોને સાવચેત રહેવા, કાંઠા વિસ્તારથી અંતર જાળવવા અને જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ ખાબકતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર માર્ગો ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. ધોધમાર શરૂ થયેલા વરસાદને પગલે ફાયર બ્રિગેડ અને વીજ કંપનીની ટીમો એલર્ટ થઇ ગઇ હતી અને જે વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાની અને વીજળી ગુલ થવાની ફરિયાદો આવતાની સાથે ટીમો સ્થળ પર પહોંચી ગઇ હતી અને કામગીરી ચાલુ કરી દીધી હતી.વડોદરા શહેરમાં દરમિયાન ૩.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદને પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા હતા. ઉપરવાસમાં ૬ ઇંચ વરસાદને પગલે આજવા ડેમમાં નવા નીર આવ્યા છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવા જળાશયમાં ૧૫ ઓગસ્ટ સુધી ૨૧૧ ફૂટની સપાટી જાળવવાની છે. વડોદરા જિલ્લા પુર નિયંત્રણ કક્ષને મળેલી સૂચના પ્રમાણે આજવા ડેમની સપાટી વધીને ૨૧૧.૫૦ ફૂટ થઈ છે અને વિશ્વામિત્રી નદીની સપાટી વધીને ૧૪.૫૦ ફૂટ થઈ છે.