અમદાવાદ રથયાત્રામાં દર્શન માટે માસ્ક ફરજિયાત
જમાલપુર જગન્નાથ મંદિર ખાતે રથયાત્રામાં ત્રણ દિવસ યોજાતા ઉત્સવોમાં ભગવાન માટેના વાઘા રંગેચંગે વાજતે ગાજતે મંદિરમાં લાવવામાં આવ્યા હતા. ૩ અલગ પરિવારો દ્વારા ભગવાનના વાઘાની યજમાની કરવામાં આવી છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત ફરે ત્યારે નેત્રોત્સવ, બીજા દિવસે સોનાવેશ, રથયાત્રાના દિવસે તેમજ રથયાત્રાના બીજા દિવસના ભગવાનના વાઘા તૈયાર કરાયા છે.ભગવાનનો મુગટથી લઈ તમામ વસ્ત્રો આજે મંદિરને સોંપવામાં આવ્યા છે.
રથયાત્રાના દિવસે ભગવાનની મંગળા આરતીના વાઘા શહેર ભાજપ મહામંત્રી ભૂષણ ભટ્ટના પરિવાર દ્વારા આપવામાં આવ્યા છે. ૨૯, ૩૦ જૂન અને ૧ જુલાઈ એમ ત્રણ દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે. ૨૯મી જુને જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી પરત આવશે. જેથી સવારે છ વાગ્યે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની ગર્ભગૃહમાં રત્ન વેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે. ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે.
૨૯મી જૂનના દેશના વિવિધ રાજ્યો અને શહેરમાંથી આવેલા તમામ સાધુ-સંતોનો ભંડારો યોજાશે. ભંડારા બાદ તમામ સાધુ-સંતોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે. બીજા દિવસે અષાઢી સુદ એકમના ૩૦ જૂનના ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનો સોનાવેશ તેમજ શોડોષચાર પૂજન થશે. મંદિરના પ્રાંગણમાં ગજરાજોનું પૂજન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં જય અમિત શાહ હાજર રહેશે. બપોરે ૧૨ વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્રણેય રથ નું પૂજન અને આરતી કરવામાં આવશે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. સાંજે ૮ વાગ્યે મહાઆરતી કરવામાં આવશેરથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે. જેમાં ૧૮ શણગારેલા ગજરાજો, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ, ૩ બેન્ડવાજા રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી ૨૦૦૦ જેટલા સાધુસંતો રથયાત્રામાં ભાગ લેવા આવશે. કોરોનાના કેસો વધ્યા હોવાથી લોકો માસ્ક પહેરી અને દર્શન કરવા આવે. મંદિરમાં પણ ત્રણ દિવસ ઉત્સવોમાં લોકો આવે ત્યારે માસ્ક પહેરીને આવે. રથયાત્રાનો રૂ. ૧.૫ કરોડનો વીમો લેવામાં આવશે.