ગોંડલ ખાતે સિમેન્ટની ફેકટરીમાં સર્જાઇ દુર્ઘટના, 3 શ્રમિકોના નીપજ્યા મોત
ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં આજે વહેલી સવારે એક કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં ફેક્ટરીમાં જ કામ કરતા ત્રણ શ્રમિકના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ત્રણેય શ્રમિકો ફેક્ટરીમાં કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. જેમાં એક શ્રમિકનું મોઢુ એટલી હદે છૂંદાઇ ગયું હતું કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો.
સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ તમામ મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી.
પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ચાર વાગ્યે ફેક્ટરીની અંદર કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં ગીર સોમનાથના દેવલપુર ગામના આશિષ હમીરભાઈ સોલંકી (ઉં.વ.25), સુત્રાપાડાના રાહુલ જસાભાઈ પંપાણિયા (ઉં.વ. 22) અને ઉત્તરપ્રદેશના બલવા ગોરીનાં અમર શિવધારાભાઈ વિશ્વકર્મા (ઉં.વ.33)ના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા PSI એસ.જી. કેશવાલા અને હેડ કોન્સ્ટેબલ પી.બી. વાલાણી દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તેમજ ત્રણેય યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.