રાજકોટ મનપા દ્વારા પાણીના નળમાં મોટર મૂકતા કે ડાયરેક્ટ પંપિગ કરતા લોકો સામે તવાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ પંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણી સહિતના કામો ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવી છે. કુલ ૧૨૩ અધિકારી અને કર્મચારીને પાણીચોરી અને બગાડ રોકવા જવાબદારી આપીને ત્રણે ઝોનના આસિસ્ટન્ટ કમિશનરને કામગીરીના ઇન્ચાર્જ પણ બનાવવામાં આવ્યા છે. ફળિયા ધોતા નજરે પડશો તો રૂ.૫૦૦ અને પાણીચોરી કરતા ઝડપાશો તો રૂ.૨૦૦૦નો દંડ ફટકારશે.
બીજી વખત પકડાયેલા ગેરકાયદે નળ કનેક્શનના કિસ્સામાં રૂ. ૫ હજારનો વહીવટી ચાર્જ વસુલી આસામી સામે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ અને પાણીચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. સાથોસાથ દુષિત પાણીની ફરિયાદ દૂર થાય તે માટે ટીમે ક્લોરોસ્કોપ સાથે રાખી ગુણવત્તાની ચકાસણી સમાંતર કરવાની રહેશે. રાજકોટમાં ફળિયા ધોવા, વાહન સાફ કરવા કે ઉનાળામાં શેરીઓમાં પણ પાઇપ વડે પાણીનો બગાડ ઘણા આસામીઓ કરતા રહે છે. આવા આસામીઓને સ્થળ પર જ રૂ.૫૦૦નો દંડ કરવામાં આવશે.
જો બીજી વખત એક ને એક આસામી પાણીનો બગાડ કરતા માલુમ પડશે તો આવા આસામીનું નળ કનેક્શન કાપવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.રાજકોટમાં મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ તમામ વોર્ડમાં પાણીચોરી સામેનું ચેકિંગ શરૂ કરાવ્યું છે. તેના ભાગરૂપે દરેક વોર્ડમાં એક એક ટીમ લીડરની આગેવાનીમાં ૭-૭ અધિકારીને ફિલ્ડમાં ઉતાર્યા છે. જેને પગલે શહેરના ગાંધીગ્રામ, ગોકુલધામ અને અમીન માર્ગ પર મનપાની ટીમ ત્રાટકી હતી અને ૧ ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી રૂ. ૨૫૦/-ની પેનલ્ટી વસૂલ કરી હતી. જ્યારે અન્ય બે કિસ્સાઓમાં નોટિસ આપવામાં આવી હતી.