યુક્રેન પર હુમલો થશે તો રશિયાની ગેસ પાઈપલાઈન બ્લોક કરી દેવામાં આવશે
અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડને ચેતવણી આપી છે કે જો યુક્રેન પર હુમલો થશે તો રશિયાની મહત્વપૂર્ણ ગેસ પાઇપલાઇન નોર્ડ સ્ટ્રીમ ૨ બ્લોક કરી દેવામાં આવશે. બાઇડને કહ્યું કે પાઇપલાઇન બોલ્ક કરવાથી માત્ર રશિયાને જ નુકસાન નહીં થાય પણ જર્મનીની મુશ્કેલીઓમાં પણ વધારો થશે. આ પાઇપલાઇન રશિયા અને જર્મની વચ્ચે છે. પાઇપલાઇનનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે પરંતુ તેને હજુ ચાલુ કરવાની બાકી છે. પાઇપલાઇન ૧,૨૦૦ કિમી લાંબી છે, જે બાલ્ટિક સમુદ્ર દ્વારા પશ્ચિમી રશિયાથી ઉત્તર-પૂર્વ જર્મની સુધી જાય છે. આ પાઇપલાઇન પ્રોજેક્ટ દ્વારા રશિયાથી જર્મની જતા કુદરતી ગેસનો પુરવઠો બમણો કરવાનો લક્ષ્યાંક છે. પાઇપલાઇનનું કામ સપ્ટેમ્બર ૨૦૨૧માં પૂર્ણ થઈ ગયું છે. પરંતુ હજુ કેટલીક મંજુરી મળવાની બાકી છે જેના કારણે તે હજુ શરૂ થઈ શકી નથી. પાઇપલાઇનથી જર્મનીને ૫૫ બિલિયન ક્યુબિક મીટર ગેસ સપ્લાય થઈ શકશે. આ પ્રોજેક્ટનો માલિકીનો હક રશિયાની સરકારી કંપની ગેઝપ્રોમ પાસે છે. રશિયા હાલમાં નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન દ્વારા જર્મનીને ગેસ મોકલે છે. તેની ક્ષમતા પણ વાર્ષિક ૫૫ બિલિયન ક્યુબિક મીટર ગેસ સપ્લાય કરવાની છે.
પાઇપલાઇનને રશિયાની વિદેશ નીતિના હથિયાર તરીકે પણ જાેવામાં આવી રહી છે. અમેરિકા, યુક્રેન અને પોલેન્ડ રશિયાના પાઇપલાઇન પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. રશિયા યુરોપિયન દેશોને તેમની જરૂરિયાતના ૫૦% કુદરતી ગેસ પૂરો પાડે છે. રશિયા હાલમાં મોટાભાગનો કુદરતી ગેસ યુક્રેન મારફતે સપ્લાય કરે છે. પરંતુ નોર્ડ સ્ટ્રીમ અને નોર્ડ સ્ટ્રીમ ૨ યુક્રેનમાંથી પસાર થતા નથી. આ સાથે રશિયાએ યુક્રેનને ટ્રાન્ઝિટ ફી ચૂકવવી પડશે નહીં. અહેવાલો અનુસાર, આનાથી યુક્રેનને ૨ બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો તેની અસર રશિયાની કમાણી પર પડશે જ. એની સાથે જ યુરોપિયન દેશોમાં પણ ગેસ સંકટ વધુ ઘેરા થવાનો ભય છે.
અમેરિકા નાણાકીય પ્રતિબંધો લાદી શકે છે. જાે અમેરિકા ઇચ્છે તો તે પાઇપલાઇન સંબંધિત બિઝનેસ કરતી કોઈપણ કંપની અથવા વ્યક્તિ પર પ્રતિબંધ લગાવી શકે છે. જેના કારણે પાઇપલાઇન પ્રોજેક્ટ ચલાવવામાં મુશ્કેલી પડશે. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડનને પૂછવામાં આવ્યું કે તેઓ તેના પર કેવી રીતે પ્રતિબંધ લગાવી શકે છે, તો તેમણે જવાબ આપ્યો કે ‘હું તમને વચન આપું છું કે અમે આવું કરી શકીશું.’