ભરૂચમાં ગેસ પુરાવતી કારમાં ભીષણ બ્લાસ્ટ
પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે લોકો હવે CNG કાર તરફ વળી રહ્યા છે, પરંતુ CNG કારચાલકો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો કદાચ તમારો જીવ પણ જઈ શકે છે, કેમ કે કેટલીક વાર લોકો CNG પુરાવતી વખતે પેટ્રોલ પંપવાળાએ સૂચના આપી હોવા છતાં તેઓ કારમાંથી નીચે નથી ઊતરતા હોતા, ત્યારે આ પ્રકારની ભૂલ તમારો જીવ પણ લઇ શકે છે. સીએનજી પંપ પર હંમેશાં ગેસ ભરતાં પહેલાં ત્યાંના કર્મચારી લોકોને વાહનમાંથી નીચે ઉતારી દેતા હોય છે. લોકોની સેફ્ટીને ધ્યાને રાખી આવું કરવામાં આવતું હોય છે. ત્યારે લોકોએ પણ આ પ્રકારની દુર્ઘટનાથી બચવા ગેસ રિફિલિંગ સમયે કારમાં ન બેસવું એ જ હિતાવહ છે.
જો ગેસ રિફિલિંગ સમયે કારમાં કોઈ બેઠું હોત તો અહીં મોટી જાનહાનિ સર્જાઇ હોત.દિવાળીના તહેવારોની હજી શરૂઆત નથી થઈ ત્યાં ભરૂચમાં આગ અને ધૂમધડકાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં જ સુરતની લકઝરી બસ હાઇવે પર સળગી ઊઠવાની ઘટના બાદ બુધવારે રાતે નર્મદા ચોકડી પર CNG સ્ટેશન પર ગેસ ફિલિંગ વખતે કારની ટેન્ક ફાટતાં કારના ફુરચેફુરચા ઊડવા સાથે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાના CCTV સામે આવ્યા છે. CNG પમ્પ પર લાગેલા CCTVમાં બ્લાસ્ટની સમગ્ર ઘટના કેદ થઈ હતી. સદનસીબે સુરતના કોન્ટ્રેકટર પરિવાર અને CNG પમ્પ પર હાજર સ્ટાફનો ચમત્કારિક બચાવ થયો હતો. ફિલર સહિત બે કારની ૪ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. દિવાળીના તહેવારો ટાણે ભરૂચમાં આગ લાગવાની, અકસ્માતો અને ધડાકાઓની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી બની રહી છે.
થોડા દિવસ પહેલાં હાઇવે પર અંકલેશ્વર ટોલ પ્લાઝા નજીક બર્નિંગ બસની ઘટના બાદ બુધવારે રાતે CNG કારની ટાંકી ફાટી હતી, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ, સુરતના હરિકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા કોન્ટ્રેકટર નરેન્દ્ર વિનુભાઈ ખાતરા બુધવારે રાતે સુરતથી તેમની હોન્ડા જાજ કાર લઇ વડોદરા તરફ જઈ રહ્યા હતા. રાતે ૧૧.૫૦ કલાકે તેઓ ભરૂચની નર્મદા ચોકડી પર આવેલા ગુજરાત ગેસના CNG સ્ટેશન પર ગેસ ભરાવા ગયા હતા. કારમાં CNG ભરાઈ રહ્યો હતો એ સમયે જ એકાએક ટેન્ક ફાટતાં અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ ધડાકા સાથે CNG ટેન્ક ફાટતાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા, જોકે કારચાલક અને એમાં સવાર વ્યક્તિ ગેસ ફિલિંગ વખતે દૂર હોવાથી તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ગેસ ભરી રહેલા ફિલર પણ સાઇડ પર હોવાથી તેઓ બચી ગયા હતા. રાતના સમયે ઓછાં વાહનોને કારણે મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી.
ટેન્ક ફાટવાથી CNG સ્ટેશનના ૫૦ ફૂટ ઊંચા સીલિંગના પણ ફુરચા ઊડી ગયા હતા અને કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. હોન્ડા જાજ કાર ૨૦૧૭ની અમદાવાદ પાર્સિંગની પેટ્રોલ રજિસ્ટર્ડ હતી, જેનું ઇ્ર્ંમાં CNG કિટ નખાવ્યા બાદ રજિસ્ટ્રેશન નહિ કરાયું હોવાની માહિતી હાલ બહાર આવી રહી છે.