ભારતને ક્લાઈમેટ ચેન્જના કારણે ગયા વર્ષે રૂ. ૬.૫૩ લાખ કરોડનું નુકસાન
વિશ્વ હવામાન વિભાગ (ડબલ્યુએમઓ)ના સેક્રેટરી જનરલ પેટેરી તાલાસે રજૂ કરેલા અહેવાલ મુજબ દક્ષિણ અને પૂર્વ એશિયામાં ચોમાસુ અસમાન્યરૂપે સક્રિય રહેવાના કારણે અનેક દેશોને ભયંકર નુકસાન થયું છે. અમ્ફાન જેવા તોફાનોના કારણે ભારતમાં ૨૪ લાખ અને બાંગ્લાદેશમાં ૨૫ લાખ લોકોએ વિસ્થાપિત થવું પડયું હતું. ચંક્રવાત, ચોમાસાના વરસાદ અને પૂરના કારણે દક્ષિણ એશિયા અને પૂર્વીય એશિયામાં ગીચ વસતીવાળા ક્ષેત્રો પર વ્યાપક અસર થઈ હતી.ખાદ્ય સલામતી અને પોષણ પર પ્રગતિ પણ ધીમી પડી હતી. ગયા વર્ષે દક્ષિણ પૂર્વ એશિયામાં ૪.૮૮ કરોડ, દક્ષિણ એશિયામાં ૩૦.૫૭ કરોડ અને પશ્ચિમ એશિયામાં ૪.૨૩ કરોડ લોકોએ કુપોષણનો સામનો કરી રહ્યા હોવાનો અંદાજ છે.
અહેવાલમાં જણાવાયું હતું કે, કોરોના મહામારીના કારણે ખાદ્ય સલામતી અને પોષણ કાર્યક્રમો પર થયેલી અસરનું પ્રમાણ હજુ નક્કી થઈ શક્યું નથી, પરંતુ વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં વર્ષ ૨૦૨૦માં દક્ષિણ-પૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયામાં કુપોષિત લોકોની સંખ્યામાં ૬ ટકાનો જ્યારે દક્ષિણ એશિયામાં ૨૦ ટકાનો વધારો થયો છે. ક્લાઈમેટ સંબંધિત આપત્તિઓએ આ સમસ્યાને બમણી કરી દીધી હતી. ગયા વર્ષે ભારત, ચીન, બાંગ્લાદેશ, જાપાન, પાકિસ્તાન, નેપાળ અને વિયેતનામમાં લાખો લોકોએ ઘરબાર છોડીને સલામત સ્થળે સ્થળાંતર કરવું પડયું હતું. વિશ્વ હવામાન વિભાગે અહેવાલમાં એમ પણ કહ્યું હતું કે, એશિયા અને તેની આજુબાજુ સમુદ્રની સપાટીનું તાપમાન વૈશ્વિક સરેરાશથી ત્રણ ગણુ વધ્યું છે. વિશ્વ હવામાન વિભાગ (ડબલ્યુએમઓ)ના એક નવા અહેવાલ મુજબ ગયા વર્ષે ચક્રવાત, પૂર અને દુષ્કાળ જેવી પ્રાકૃતિક આપત્તિઓના કારણે ભારતને અંદાજે રૂ. ૬,૫૩૫ અબજનું નુકસાન થયું છે.
જોકે, કુદરતી આપત્તિઓની સૌથી વધુ ખરાબ અસર ચીનને થઈ છે. કુદરતી આપત્તિઓના કારણે ચીનને ૨૩૮ અબજ ડોલરનું નુકસાન થયું છે. નુકસાનની બાબતમાં ૮૭ અબજ ડોલર સાથે ચીન બીજા અને ૮૩ અબજ ડોલર સાથે જાપાન ત્રીજા સ્થાને રહ્યા છે તેમ અહેવાલમાં જણાવાયું છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ૩૧મી ઑક્ટોબરે શરૂ થઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની સીઓપી-૨૬ બેઠક પહેલાં જાહેર થયેલો આ અહેવલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહેવાલમાં જણાવાયું છે કે ગયા વર્ષે એશિયામાં વિક્રમી સ્તરે ગરમી પડી હતી. ગયા વર્ષે રશિયાના વેર્ખોયાન્સ્કમાં ૩૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે માત્ર રશિયા જ નહીં ઉત્તર આર્કટિક સર્કલમાં પણ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન હતું. એશિયામાં સરેરાશ તાપમાન ૧૯૮૧-૨૦૧૦ની સરખામણીમાં ૧.૩૯ ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું.