વડા પ્રધાને જળ જીવન મિશન એપ લોન્ચ કરી
વડાપ્રધાન મોદીએ દેશના અલગ અલગ ગ્રામ પંચાયતો સાથે ગુજરાતના માત્ર એક બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીંપળી ગામના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મોદીએ રમેશભાઈ પટેલનુ નામ બોલતા ગ્રામજનોમાં ખુશી છવાઈ ગઈ હતી અને વડાપ્રધાને જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની પાણી સમસ્યાથી હુ વાકેફ છું અને જિલ્લાના લોકોએ પાણીના મૂલ્યને સમજી સરસ કામગીરી કરી છે.મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે વડા પ્રધાન મોદીએ જળ જીવન મિશન મોબાઇલ એપ લોન્ચ કરીને ગામડાઓની જળ સમિતિના સભ્યો સાથે સંવાદ કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જળ જીવન મિશન મહિલાઓના સમયની બચત કરીને તેમનું સશક્તીકરણ કરે છે. પરિવાર માટે પાણી લાવવાનો સમય બચતાં મહિલાઓ હવે વધારાની રોજગારી મેળવવા, બાળકોને ભણાવવામાં તે સમયનો ઉપયોગ કરતી થઈ છે. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રીય જળ જીવન કોષની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી.