ઓછા વરસાદના લીધે રાજકોટ વાસીઓને પાણીમાં કાપ મુકાશે
રાજકોટવાસીઓના માથે પાણીનું સંકટ ઘેરાયુ રહ્યું છે, શહેરમાં અનેક વિસ્તારોને પાણી પુરૂ પાડતો આજી ડેમ-૧માં ૨૭ ટકા પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે ન્યારી ડેમ-૧માં ૫૦ ટકા પાણી છે. ત્યારે જો વરસાદ ખેંચાયો તો જળસંકટ ઉભું થઇ શકે છે. હાલ રાજકોટનાં આજી ડેમ-૧ની કુલ સપાટી ૨૯ ફૂટ છે જે હાલમાં ૧૫ ફૂટ પહોંચી છે. ડેડ સ્ટોકને બાદ કરતા ૨૭ ટકા પાણીનો જથ્થો રહેલો છે. જ્યારે ન્યારી ડેમ-૧ માં ૫૦ ટકા પાણીનો જથ્થો રહેલો છે.જેના કારણે આગમની દિવસોમાં શહેરીજનોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે .
રાજકોટમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. હાલ જૂલાઈ શરૂ થવા છતાં વરસાદના એંધાણ ન વર્તાતા આજી અને ન્યારી ડેમની સપાટી ધીરે-ધીરે ઘટી રહી છે. હાલ આજી ડેમ -૧માં ૨૭ ટકા પાણીનો જથ્થો છે. ત્યારે જો સમયસર વરસાદ ન આવે તો શહેરમાં પણ પીવાના પાણીની મુશ્કેલી ઉભી થાય તેવી સંભાવના જોવાઈ રહી છે.
આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, એક અઠવાડિયામાં સૌની યોજનાનું પાણી આજીમાં ઠલવાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ શહેર માત્ર વરસાદ આધારિત હતું. પરંતુ PM મોદી અને CM રૂપાણીનાં પ્રયાસોને કારણે સૌની યોજના શરૂ થયા બાદ પાણીની મુશ્કેલી ભૂતકાળ બની ચુકી છે. પરંતુ વરસાદ ધારણા કરતા વધુ ખેંચાઈ ગયો છે. જેને લઈને અમે રાજ્ય સરકાર પાસે નર્મદાનાં પાણીની માંગ કરી હતી. જેના અનુસંધાને રાજકોટને સૌની યોજના મારફતે પાણી પૂરું પાડવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. અને એકાદ સપ્તાહમાં જ નર્મદાનાં ૩૩૫ MCFT પાણીનો જથ્થો રાજકોટનાં બે મુખ્ય જળાશયોમાં પહોંચાડવામાં આવનાર છે.