હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં બે દિવસ બાદ વરસાદના એંધાણ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે, પરંતુ વરસાદ મન મુકીને વરસી રહ્યો નથી. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ઝરમર, છૂટોછવાયો અને ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. લોકો વરસાદની આશા રાખીને બેઠા છે. સૌને સવાલ થાય છે કે વરસાદ ક્યારે આવશે? ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરતા કહ્યું, હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. બે દિવસ બાદ રાજ્યમાં વરસાદ આવી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે, આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બુધવારે વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની અસર ઓછી જોવા મળી શકે છે. રાજ્યમાં ધોધમાર વરસાદ પડે એવી કોઈ સિસ્ટમ હાલ સક્રિય નથી. મહત્વનું છે કે, રાજ્યમાં હજુ પણ ૩૬ ટકા વરસાદની ઘટ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, બે દિવસ બાદ રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. સાથે જ માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૫.૮૪ ટકા વરસાદ જ પડ્યો છે. રાજ્યમાં હજુ સિઝનનો માત્ર ૩૬ ટકા જ વરસાદ વરસ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ સાત ટકા ઓછો છે.
ઉત્તર ગુજરાતમાં ૩૦.૯૮ ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં ૩૩.૯૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૩.૫૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૩૫.૮૪ ટકા વરસાદ નોંધાયો છે. જો કે, બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. બે દિવસ બાદ રાજ્યમાં સારા વરસાદની આશા સેવવામાં આવી છે.