અમદાવાદમાં મોસાળ સરસપુરમાં જગન્નાથજીનું મામેરું, ભક્તોએ ઉત્સાહ સાથે મામેરાના કર્યા દર્શન
અમદાવાદમાં મોસાળ સરસપુરમાં રણછોડજી મંદિરમાં ભગવાન જગન્નાથનું મામેરૂ યોજાયું છે. અમદાવાદમાં ભગવાનના મોસાળમાં મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. ભક્તો ભગવાનના મામેરાના દર્શન સાંજના આઠ વાગ્યા સુધી કરી શકશે. આ વખતે ભગવાનને મરાઠી પહેરવેશના વાઘા ધરાવવામાં આવ્યા છે. મામેરાના દર્શન માટે ભક્તો બપોરના 12 વાગ્યાથી લાઇનમાં ઊભા હતા. ભગવાનને મામેરામાં વાઘામાં સોનાનો ઢોળ ચઢાવેલા હાર, સુભદ્રાજીને પાર્વતી શણગાર, સોનાની બુટ્ટી, ચુની, વીંટી, ચાંદીની પાયલ-આપવામાં આવી.
આ વર્ષે મહારાષ્ટ્રીયન સ્ટાઇલના મામેરાના વાઘામાં 5 રંગ લીલો, લાલ, કેસરી, વાદળી અને પીળો રંગ પસંદ કરવામાં આવ્યો છે. વાઘાનું કાપડ સુરતથી લાવી તેમાં કચ્છીવર્ક, જરીવર્ક, એમ્બ્રોઇડરી મોતીવર્ક અને સ્ટોન વર્ક કરીને રજવાડી વાઘા તૈયાર કરાયા છે. આ વાઘા બનાવવા માટે 60થી 70 મીટર કાપડનો ઉપયોગ કરાયો છે. અમદાવાદના સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાનના મામેરાનાં દર્શન ફેસબુક પર તથા ઈન્સ્ટાગ્રામ પર કર્યા હતા. આ દરમિયાન મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’ના દર્શન માટે ઉમટી હતી. અમદાવાદના પરિવારને 50 વર્ષે તક મળી છે અને તેમને આ તક મળતા તેમને ધન્યતા અનુભવી હતી